નેશનલ

ગાઝામાં હોસ્પિટલ પર હુમલા અંગે વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

હોસ્પિટલ પરના હુમલા મુદ્દે હમાસ અને ઇઝરાયલ આમને સામને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આ મામલે જે પણ દોષિત હશે તેને બક્ષવામાં ન આવે. મંગળવારે 17 ઓક્ટોબરના રોજ ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં 500થી નાગરિકોના મોત થયા હતા. ત્યાર બાદથી દુનિયાભરના નેતાઓ આ હુમલાની નિંદા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન મોદીએ લખ્યું કે, ‘ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં થયેલી જાનહાનિ દુ:ખદ અને આઘાતજનક છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હ્રદયપૂર્વકની સંવેદના, અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર ચિંતાનો વિષય છે. જેઓ સંડોવાયેલા છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.’

મંગળવારે રાત્રે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર હવાઈ હુમલો થયો હતો. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 500થી વધુ નાગરીકોના મોતના થયા છે. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને નાગરિકોની હત્યા દોષી ઠરાવ્યું હતું, તો ઇઝરાયલે હમાસે જ આ હુમલાઓ કર્યો હોવાનો પ્રતિઆક્ષેપ કર્યો હતો.

યુનાઈટેડ નેશન્સ, તેના ટોચના નેતાઓ અને એજન્સીઓએ ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલાની આ ઘટનાની સખત નિંદા કરી હતી. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, ‘ગાઝાની હોસ્પિટલ પરના હુમલામાં સેંકડો પેલેસ્ટિનિયનોના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું, હું તેની સખત નિંદા કરું છું. મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હોસ્પિટલો અને તબીબી કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ રક્ષણ પ્રાપ્ત છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button