તળાજા નપાની ચૂંટણીમાં બબાલ, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના માતાએ 101 વર્ષની વયે મતદાન કર્યું…

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ 4 કલાકમાં સરેરાશ 8 ટકા જેટલું મતદાન થયું છે. આ દરમિયાન ભાવનગરના તળાજા નપાની ચૂંટણીમાં બબાલ થઈ હતી. કેન્દ્ર પર પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈ મતદાન મથક બહાર ઉમેદવારના સમર્થકો ઉમટ્યા હતા. મતદાન મથક પર ટોળા વળતા કાયદાનું ઉલ્લંઘન થતા પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી મામલો થાળે પડતા લોકોના ટોળા વિખેરાયા હતા.
Also read : કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં ભરૂચના વિદ્યાર્થીનું મોત
બીલીમોરામાં ઇવીએમ મશીનમાં ખામી હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો. વોર્ડ નંબર 2ના બુથ નંબર પાંચના ઇવીએમમાં કૉંગ્રેસનું બટન જ ન દબાવાતું હોવાનો ઉમેદવાર રામબાબુ શુક્લાએ દાવો કરતા હોબાળો થયો હતો. જેથી પોલીસ વચ્ચે પડી હતી અને મતદાન અટકાવવાની ફરજ પડી હતી.
રાજકોટ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે પરિવાર સાથે અને ખાસ મારા માતૃશ્રી 101 વર્ષની ઉંમરે મતદાન કરવા સાથે આવ્યા હતા. રાધનપુરના વોર્ડ નંબર 7માં વિનય વિદ્યાલયના રૂમ નંબર-3માં છેલ્લા 1 કલાક થી ઈવીએમ ખોટકાયું હોવાથી મામલતદાર નવું ઈવીએમ લઈને દોડી આવ્યા હતા.
જૂનાગઢની ચોરવાડ નગર પાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્નિ જલ્પાબેન જોડે મતદાન કર્યુ હતું. જ્યારે વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. પારડી, વલસાડ, અને ધરમપુરમાં ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યુ છે. વલસાડ નગરપાલિકામાં 37 બેઠક માટે 105 ઉમેદવાર મેદાનમાં છે.
Also read : દિલ્હી, મધ્યપ્રદેશમાં ચોરીને અંજામ આપનાર શિકલીગર ગેંગની ત્રિપુટી મોરબીથી ઝડપાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.