ઉત્સવ

હેં… ખરેખર?!: ન વિઝા, ન વર્ક પરમિટ: રહો મનફાવે ત્યાં સુધી સ્વાલબાર્ડમાં…

-પ્રફુલ શાહ

(ભાગ-1)
અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સરકાર બદલાય કે ઈમિગ્રેશનના કાયદામાં તસુભાર ફેરફારની શક્યતાથી લાખો (કે કરોડો?) ભારતીયોના જીવ અધ્ધર થઈ જાય. સ્વદેશ છોડીને વિદેશમાં તોતિંગ કમાણી કરવાના અને લક્ઝુરિયસ લાઈફ જીવવાના આંતરરાષ્ટ્રીય સપનાં વચ્ચે અચાનક સ્પીડબ્રેકર આવી જાય.

Also read : મહાત્મા ગાંધીના મિત્ર ને દલાઈ લામાનાં ‘માતા’ એવાંપોલેન્ડની મહિલા વાન્ડા ડાયનોસ્કાની શું છે ભારતીય કહાની?

આવા પરદેશ-પ્રેમીઓએ એક વિદેશી ટાપુની વાત ખાસ જાણવા જેવી છે. અહીં આવવા માટે વિઝાની જરૂર નથી. હા, તમે સાચું વાચ્યું કે વિઝાની આવશ્યકતા નથી. એટલું જ નહીં, ગમે તેટલા દિવસો કે મહિનાઓ રહો, કોઈ પ્રતિબંધ નથી. નોર્વે સરકારે પોતાના આધિપત્ય હેઠળના આ ટાપુઓ પર ભારતીય સહિત કોઈ પણ દેશના નાગરીકોને અહીં આવવા, રહેવા, વસવા કે કમાવા માટે વિઝા કે વર્ક પરમિટ લેવા જ પડે એવા નિયમો લાદ્યા નથી. આ અનોખી સગવડ આપનારું સ્થળ છે સ્વાલબાર્ડ દ્વીપસમૂહ.

સ્વાલબાર્ડ આયલેન્ડ્સ ઉપડી જવા માટે બેગ-બિસ્તરા બાંધતા-બાંધતા ઘણી રસપ્રદ હકીકતો જાણી લો.
સ્વાલબાર્ડ નવ મુખ્ય અને થોડા નાનકડા ટાપુઓનો દ્વીપસમૂહ છે. સ્વાલબાર્ડનો કુલ વિસ્તાર 24,209 ચોરસ માઈલ છે. નવ મુખ્ય ટાપુઓ છે સ્વીટ્સબર્ગેન, નોર્ડાઉસ્ટલેન્ડર, ઇજોયા, બારેન્ડસોયા, પ્રિન્સ કાર્લ્સ ફોરલેન્ડ, ક્વીટોયા, કૉંગ કાર્લ્સ લેન્ડ, બોર્ન આયલેન્ડ અને હોપેન. આમાંથી સ્વીટ્સબર્ગેન સૌથી મોટો ટાપુ છે. આ એક માત્ર ટાપુમાં માનવ વસાહત છે.
સ્વાલબાર્ડની શોધનો સત્તાવાર શ્રેય વિલેમ બારેન્તેઝને અપાય છે પણ એ છેક 12મી સદીમાં નોર્સમેને શોધી કાઢ્યો હોવાની શક્યતા પણ વ્યક્ત થાય છે.

આ નોર્સમેને જ એને નામ આપ્યું હતું સ્વાલબાર્ડ અર્થાત્ ઠંડા કિનારા કે શીત કાંઠા.
બસ, આ ઠંડા કે શીત શબ્દના મૂળમાં જ છૂપાયેલા છે સ્વાલબાર્ડમાં અપાતી અધધ સુવિધા પાછળના કારણો. વર્ષના પાંચ મહિનામાં અહીં સૂર્ય અસ્ત થતો નથી. હા, ઉનાળામાં 19મી એપ્રિલથી 23મી ઑગસ્ટ વચ્ચે સૂરજદેવ સ્વાલબાર્ડના 24×7 પરમેનન્ટ રેસિડન્ટ બનીને રહે છે. એટલે સૂર્યપૂજક માટે આનાથી શ્રેષ્ઠ સ્થળ બીજું કયું હોય? પણ હા, આંખને તકડાથી બચાવવા ગ્લેર્સ એટલે કે ગોગલ્સ લેવાનું યાદ રાખજો.

સતત પાંચ મહિના સૂરજ સાથે રહ્યા પણ પછી એકધારા ત્રણ મહિના એના વગર રહેવાનું પણ સ્વાલબાર્ડમાં જ બને છે. અહીં શિયાળાની કડકડતી ઠંડીમાં નવેમ્બરના આરંભથી જાન્યુઆરીના અંત વચ્ચે સતત રાત રહેશે અને સૂર્યદર્શન એકદમ અશક્ય. હવે મોટાભાગનાને ખ્યાલ આવી ગયો હશે કે આ વાત ઉત્તર ધ્રુવની નજીકના વિસ્તારની થઈ રહી છે.

સ્પીટ્સબર્ગેન આઈલેન્ડ પર લોંગયરબીનમાં મુખ્ય વસાહત છે, લગભગ બે હજાર માણસોની. અહીં બધી માળખાકીય સુવિધા ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય વિમાનમથક, હોટલ, બાર, રેસ્ટોરાં, મોલ વગેરે. અમુક વિસ્તારમાં વિજ્ઞાનીઓ અને સંશોધકો રહે છે. આખું વર્ષ લગભગ 35 જણા રહે, જે ઉનાળામાં આંકડો વધીને 120 સુધી પહોંચી જાય. બારેન્ટબર્ગ વસતિની દૃષ્ટિએ બીજા ક્રમે આવે. અહીં રશિયનો અને યુક્રેનિયન સાથે રહે છે, સંપથી. એમની વસતિ માત્ર 470.

Also read : દિલને સ્પર્શતું દાર્જિલિંગચા અને મૂડનું સરનામું છે આ હિલ સ્ટેશન

ભૂતકાળમાં સોવિયેત સંઘના અંકુશ હેઠળના માઈનિંગ ટાઉન પિરામીડેમાં ક્યારેક એકાદ હજાર માણસો વસતા હતા. પણ મહાસત્તા સોવિયેત સંઘના વિઘટન બાદ ત્યજી દેવાયેલા આ સ્થળે હવે માત્ર ગણતરીના માણસો રહે છે.

દ્વીપસમૂહ હોવાથી મોટાભાગનો વાહનવ્યવહાર દરિયાઈ જ હોય એ સ્વાભાવિક છે. આથી આખા સ્વાલબાર્ડમાં માંડ 25 માઈલ લાંબો રોડ છે. અહીં ક્યારેય ટ્રાફિક જામ તો થતો જ નથી પણ એવું થવાના સપનાય આવતા નથી. અહીં શિયાળામાં સ્નૉમોબાઈલ અને ઉનાળામાં બોટથી પ્રવાસ થઈ શકે છે. અહીં સરેરાશ ઉષ્ણાતામાન માઈનસ 14 થી છ સેન્ટિગ્રેડ રહે છે.

સ્વાલબાર્ડ વધુ એક બાબતમાં વિશ્વમાં સૌથી અનોખું છે. અહીં ગ્લોબલ સીડ વૉલ્ટ બનાવાયું છે. 2008માં બનેલા આ વૉલ્ટમાં વિશ્વના એક એક બીજ સાચવી રખાયા છે. ન કરે નારાયણ ને કોઈ જાગતિક આફતમાં કોઈ જૂના અનાજ-ફળથી વંચિત રહેવાનો વારો ન આવે. એટલે જ એ ‘ધુ ડુમ્સડે વૉલ્ટ’ તરીકે ઓળખાય છે.

સ્વાલબાર્ડ દુનિયાનું એકમાત્ર સ્થળ છે કે જ્યાંનો ક્રાઈમ રેટ ઝીરો છે. મોટાભાગના નાના-નાના ગુના બારમાં દારૂડિયાઓની ધમાલના નોંધાય છે. હા. 2018માં સ્થાનિક બૅંકમાં સશસ્ત્ર લૂંટ થતા જોરદાર સનસનાટી મચી ગઈ હતી.

હા, અહીં પશ્ચિમી દેશોના નાગરીકો જેવી વેલ્ફેર સ્કીમની સુવિધા નથી. અહીં સૌએ પોતાની જરૂરિયાત પોતે પૂરી કરવાની રહે છે. આવી આર્થિક તાકાત ન દેખાય એવા પરદેશીઓને સ્વદેશ પાછા મોકલી દેવાય છે.

અહીં વસાહતની બહાર નીકળનારા માટે બંદૂક કે રિવૉલ્વર રાખવાનું ફરજિયાત છે. હા, પોલાર બિઅર (ધ્રુવિય રીંછ)ના જોખમ સામે આ અનિવાર્ય છે. આની સાથોસાથ ધ્રુવિય રીંછને મારવું કે હાનિ પહોંચાડવું ગુનો કહેવાય છે.

પહાડો અને હિમપર્વતોમાંથી બનેલા થીજેલા રણ જેવા સ્વાલબાર્ડનો 60 ટકા વિસ્તાર બરફાચ્છાદિત રહે છે. એટલે માંડ દસ ટકાથી ઓછી જગ્યામાં વનસ્પતિ ઊગે છે. છતાં અહીં 164 જાતના છોડવા ઉગતા હોવાની નોંધ છે.

સ્વાલબાર્ડની વિશિષ્ટતા એ છે કે રહેવાસીઓમાંથી કોઈ મૂળ વતની કે અહીં જન્મેલું નથી. એટલું જ નહીં, અહીં કોઈની દફનવિધિ કે અંતિમવિધિ થતી નથી. ઠંડા માહોલને લીધે શબ વરસોના વરસો જેમના તેમ જળવાઈ રહે એટલે આ નિર્ણય લેવાયો છે. માનવીઓથી વધુ સંખ્યા સ્નોમોબાઈલ વાહનની છે. એ પ્રમાણે 2700 માણસોની વસતિ સામે ધ્રુવિય રીંછોની સંખ્યા 3000 છે. અહીં એક પણ બિલાડી નથી. ભૂતકાળમાં કોઈકે અહીં ખોટા નામ સાથે દાણચોરીથી બિલાડી લવાયાની ઘટના નોંધાઈ હતી.

Also read : ઘરથી દૂર ઘર હમ તો સફર કરતે હૈં…

સ્વાલબાર્ડની હજી અનેક વિશિષ્ટતા, વિચિત્રતા છે. પણ એક નોંધપાત્ર કાયદો જાણી લો. સ્વાલબાર્ડની ઐતિહાસિક ચીજો અને સ્મારકો કાયદાથી રક્ષિત છે. ગમે તેવી નાનકડી કે નગણ્ય પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ચીજને હટાવવાની ય સખત મનાઈ છે. આમાં વપરાયેલી કારતૂસથી લઈને તૂટેલા માટલા ય આવી જાય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button