ઉત્સવ

વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરનો ફફડાટ: સોનામાં તેજીના માહોલમાં લગ્નસરાની અપેક્ષિત માગ પર પાણી ફરી વળ્યું…

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે તેમની અર્થશાસ્ત્રીઓની ટીમને પ્રત્યેક દેશો સાથેના વેપારમાં રેસિપ્રોકલ ટેક્સની યોજના ઘડવાનો આદેશ આપવાની સાથે આગામી પહેલી એપ્રિલથી રેસિપ્રોકલ ટેક્સ લાગુ થશે, એવી જાહેરાત કરી હતી. આમ આ જાહેરાત કરવામાં આવતા વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની સ્થિતિ નિર્માણ થાય તેવી ભીતિ સપાટી પર આવતા રોકાણકારોની સોનામાં સલામતી માટેની અવિરત માગને ટેકે ગત મંગળવારે વૈશ્વિક ભાવ ઔંસદીઠ 2942.70 ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા.

Also read : ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પના કારણે વૈશ્ર્વિક ટેરિફ યુદ્ધ ફાટી નીકળે તો પણ…

જોકે, રેસિપ્રોકલ ટેક્સનો અમલ એપ્રિલ મહિનાથી શરૂ થવાનો હોવાથી અમુક ઘણાં દેશોએ રાહતનો શ્વાસ લીધો હોવા છતાં ટ્રેડ વૉરની ભીતિ હેઠળ સપ્તાહ દરમિયાન સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજર ભાવમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે અંદાજે 0.8 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો.

એકંદરે વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું અને ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના સ્થાનિક વેરા રહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી ફેબ્રુઆરીના રૂ. 84,699 સામે સુધારાના અન્ડરટોને રૂ. 85,368ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 84,845 અને ઉપરમાં રૂ. 86,089ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. 1299 અથવા તો 1.53 ટકા વધીને રૂ. 85,998ના મથાળે બંધ રહ્યા હતા.

એકંદરે બજારમાં એકતરફી તેજીના માહોલમાં માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગમાં સોંપો પડી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ગત કેલેન્ડર વર્ષ 2024માં આભૂષણો માટેની માગમાં ભારત ચીન કરતાં આગળ નીકળી ગયું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ગત સાલ ભારતની સોનાની આભૂષણો માટેની વપરાશી માગ 563.4 ટનની સપાટીએ રહી હતી, જ્યારે ચીનની માગ 511.4 ટનની સપાટીએ રહી હતી.

સોનામાં જોવા મળેલી આગઝરતી તેજી અને ભાવ વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હોવાથી ખાસ કરીને લગ્નસરાની મોસમની અપેક્ષિત માગ પર પાણી ફરી વળ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગ્રાહકો ડીલરોને આકર્ષવા માટે ઔંસદીઠ 7થી 10 ડૉલર જેટલું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા, પરંતુ અપેક્ષિત માગનો વસવસો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Also read : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: બુઢ્ઢા હોગા તેરા બાપ…! આવું કોઈ સંભળાવી જાય એ પહેલાં…

કોઈમ્બતુરસ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે ઘણાં ગ્રાહકો લગ્નપ્રસંગ માટે સોનું ખરીદવા ઉત્સુક છે, પરંતુ ઊંચા ભાવને કારણે તેઓએ ખરીદી અટકાવી છે અને ભાવઘટાડાની રાહ જોઈ રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ભારતમાં લગ્નપ્રસંગમાં ભેટ-સોગાદ આપવા માટે સોનાની ખરીદીનું આગવું મહત્ત્વ હોય છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત વર્ષ 2024માં સ્થાનિકમાં સોનાના ભાવમાં 21 ટકાનો ઉછાળો આવ્યો હતો, તેની સરખામણીમાં વર્તમાન કેલેન્ડર વર્ષ 2025માં અત્યાર સુધીમાં ભાવ 10 ટકા જેટલા વધી ગયા છે. આમ તેજીને કારણે સ્થાનિક સ્તરે માગ રૂંધાઈ જવાથી ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ 30થી 38 ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થતાં ચીનથી આયાત થતાં માલ સામે 10 ટકા ડ્યૂટી લાદી હતી. જોકે, કેનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે સૌ પ્રથમ 25 ટકા ડ્યૂટી લાદ્યા બાદ તેનો અમલ એક મહિનો મુલતવી રાખ્યો હતો. ત્યાર પછી ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયનને લક્ષ્યમાં રાખીને રેસિપ્રોકલ ટેક્સ અથવા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં વૈશ્વિક ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવતાં સોનામાં સતત સાતમા સપ્તાહમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું.

વધુમાં ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના આર્થિક આંકડાઓમાં ખાસ કરીને ફુગાવામાં તથા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત કરે તેવી શક્યતાઓ પણ ધૂંધળી બની હોવા છતાં વૈશ્ર્વિક આર્થિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશષકે જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં ઔંસદીઠ 2860 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 2980 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 84,800થી 87,900 આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એકતરફી તેજીનું વલણ રહ્યા બાદ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે 1.6 ટકા ઘટીને ઔંસદીઠ 2882.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે 0.8 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી હતી.

Also read : ફોકસ: કૅન્સર, જ્યાં વિજ્ઞાન પણ ઘૂંટણ ટેકી દે છે

આ સિવાય વાયદામાં પણ ભાવ 1.5 ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 2900.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ટેરિફ, ડૉલર ઈન્ડેકસમાં નરમાઈ, ફુગાવાલક્ષી દબાણ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (પેપર ગોલ્ડ)ની તુલનામાં હાજર સોનામાં વધી રહેલી માગ જેવાં કંઈક પરિબળોને ધ્યાનમાં લેતાં સોનામાં આંતરપ્રવાહ તો મજબૂત જ હોવાનું એલિગન્સ ગોલ્ડના ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ ઍબકરિઅને જણાવતા ઉમેર્યું હતું કે રેસિપ્રોક્લ ટેરિફના અમલને કારણે અમેરિકા ખાતે ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા પણ સોનાને સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button