હરમનપ્રીત કૌર ટી-20માં આટલા રન પૂરા કરનારી સ્મૃતિ પછીની બીજી ભારતીય ખેલાડી બની

વડોદરાઃ અહીં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ત્રીજી સીઝનની બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સની ઓપનર શેફાલી વર્માએ ચોક્કા-છગ્ગાનો વરસાદ વરસાવીને પોતાની ટીમને 2023ની પ્રથમ સીઝનની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે વિજય અપાવવા મજબૂત પાયો નાખવાની શરૂઆત કરી એ પહેલાં મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌરે તેની ઇનિંગ્સમાં મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે ટી-20 ફૉર્મેટમાં 8,000 રન પૂરા કર્યા હતા. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત ટી-20માં 8,000 રનની સિદ્ધિ મેળવનારી સ્મૃતિ મંધાના પછીની બીજી ભારતીય ખેલાડી બની છે.
હરમનપ્રીતે આજે દિલ્હી સામે વડોદરા ખાતેની મૅચમાં બાવીસ બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી 42 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે દિલ્હીની ઍનાબેલ સધરલૅન્ડના બૉલમાં સિક્સર ફટકારી એ સાથે તેણે 8,000 રન બનાવનાર ખેલાડીઓની ક્લબમાં પ્રવેશ કર્યો હતો.
Also read: હરમનપ્રીત કૌર જ કૅપ્ટન: રિચા ઘોષ બારમાની પરીક્ષાને કારણે કિવીઓ સામે નહીં રમે
મુંબઈની સુકાની હરમનપ્રીતે ઍનાબેલની એ ઓવરમાં 4, 4, 6 અને 4ના સ્કોરિંગ શૉટ સાથે વડોદરાનું સ્ટેડિયમ ગજાવ્યું હતું. ઍનાબેલની એ ઓવરના પહેલા ચાર બૉલમાં હરમનપ્રીતે 18 રન ઝૂડી કાઢ્યા હતા, પણ પાંચમા બૉલે ઍનાબેલ તેની વિકેટ લેવામાં સફળ થઈ હતી. આઉટ થતાં પહેલાં હરમનપ્રીતે નૅતાલી શિવર-બ્રન્ટ (80 અણનમ, 59 બૉલ, 13 ફોર) સાથે 73 રનની ભાગીદારી કરી હતી. મુંબઈની ટીમ મેગ લેનિંગના સુકાનવાળી દિલ્હીની ટીમ સામે 19.1 ઓવરમાં 164 રનના સાધારણ સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. દિલ્હીની ઍનાબેલે ત્રણ તેમ જ શિખા પાન્ડેએ બે વિકેટ લીધી હતી.