આમચી મુંબઈ

સેક્સ્ટોર્શનમાં ફસાયેલા શિક્ષકે બદનામીના ડરથી અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં સેક્સ્ટોર્શનની જાળમાં ફસાયેલા શિક્ષકે સમાજમાં બદનામીના ડરે અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું હતું. સગાંસબંધીની સલાહથી શિક્ષક પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પણ ગયો હતો, પરંતુ વાત જાહેર થવાના ભયથી ફરિયાદ નોંધાવી નહોતી, એમ પોલીસનું કહેવું છે.

ઉલવે પોલીસના જણાવ્યા મુજબ પનવેલ તાલુકાના કુર્ડુસ ગામની જિલ્લા પરિષદની શાળાના શિક્ષક વૈભવ પિંગળે (50)એ શુક્રવારની સવારે કથિત આત્મહત્યા કરી હતી. અટલ સેતુ પરથી પિંગળેએ દરિયામાં કૂદકો માર્યા પછી ફાયર બ્રિગેડ અને માછીમારોની મદદથી પોલીસે તેની શોધ હાથ ધરી હતી, પરંતુ શનિવારે મોડી સાંજ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી.
પોલીસ ફરિયાદ અનુસાર સવારે 7.30 વાગ્યાની આસપાસ પરિવારને આંટો મારીને આવું છું કહીને પિંગળે ઘરથી નીકળ્યો હતો. પોતાની કારમાં તે નવી મુંબઈના ઉલવે ખાતે પહોંચ્યો હતો. અટલ સેતુ પર થોડે અંતરે ગયા પછી એકાએક તેણે કાર ઊભી રાખી હતી. કારમાંથી ઊતરીને તરત જ તેણે દરિયામાં કૂદકો માર્યો હતો.

Also read: ‘અટલ સેતુ’ પર બન્યો પહેલો અકસ્માત, જાણો શું થયું?

પોલીસના જણાવ્યા મુજબ અતલ સેતુ પર કારણ વગર વાહન ઊભું રાખવાની મનાઈ છે. સીસીટીવી કૅમેરામાં કાર ઊભી રહી હોવાનું અધિકારીએ જોયું હતું, પરંતુ અધિકારી કાર સુધી પહોંચે તે પહેલાં શિક્ષકે અંતિમ પગલું ભર્યું હતું. કારમાંથી મળી આવેલા શિક્ષકના મોબાઈલ ફોનની મદદથી પોલીસે તેના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. અતલ સેતુ પરથી કથિત આત્મહત્યાની આ વર્ષની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાય છે.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સાયબર ઠગ ટોળકીએ શિક્ષકને સેક્સ્ટોર્શનની જાળમાં સપડાવ્યો હતો. તેની પાસેથી બે ટ્રાન્ઝેક્શનથી 18 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા, પરંતુ ઠગ ટોળકી તેની પાસેથી વધુ નાણાં પડાવવા દબાણ કરતી હતી. શિક્ષકે આરોપીઓના મોબાઈલ નંબર બ્લૉક કરી નાખ્યા હતા છતાં આરોપી અલગ અલગ નંબરથી કૉલ કરતા હતા. રૂપિયા ન આપે તો વીડિયો શિક્ષકના મોબાઈલમાંના કોન્ટેક્સ લિસ્ટમાંના દરેકને મોકલાવી દેવાની ધમકી આપતા હતા. બ્લૅકમેઈલિંગથી શિક્ષક ડરી ગયો હતો.

આ વાતની જાણ પિંગળેએ પરિવારજનોને કરી હતી. તેના દૂરના એક સગા પોલીસ ખાતામાં કાર્યરત છે. તેણે પણ ગુનો ન નોંધાવવો હોય તોય સાદી ફરિયાદ પોલીસમાં કરવાની સલાહ આપી હતી. પોલીસ ફરિયાદ કરવા તે પોયનાડ પોલીસ સ્ટેશને ગયો હતો, પરંતુ સોસાયટીમાં બદનામીના ડરથી ફરિયાદ નોંધાવી નહોતી. પિંગળે પત્ની અને બે સંતાન સાથે રહેતો હતો. પત્ની પણ શિક્ષિકા છે અને બન્ને સંતાન કૉલેજમાં ભણે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button