રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે કચ્છના મહેમાનઃ જાણીતા સ્થળોની લેશે મુલાકાત

ભુજઃ પ્રવાસન ક્ષેત્રે કચ્છે હરણફાળ ભરી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં વિવિધ સ્થળોની મુલાકાત લે છે ત્યારે હવે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ કચ્છની મુલાકાત લેવાના છે. તેઓ ચાલુ મહિનાના અંતિમ સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમ્યાન તેઓ સૌપ્રથમ વખત સીમાવર્તી કચ્છ જિલ્લાની મુલાકાત લઇ જગવિખ્યાત ધોરડોનું શ્વેત રણ, પુરાતન નગર ધોળાવીરા અને ભુજના ભુજિયા ડુંગર પરના સ્મૃતિવન સહિતના સ્થળોની મુલાકાત લેવાના હોવાનું જાણવા મળ્યું છે.
રણ, દરિયો અને ડુંગર ધરાવતા કચ્છની સુંદરતા અને કચ્છના પ્રવાસન સ્થળો જગવિખ્યાત છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની મુલાકાત લઈ કચ્છના આ પ્રવાસન સ્થળોથી વાકેફ થશે. અંતરંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ આગામી ૨૮ ફેબ્રુઆરીના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ એવા ધોરડો ખાતે આયોજિત રણોત્સવની મુલાકાત લેશે. ત્યારબાદ રોડ ટૂ હેવન મારફતે તેઓ પ્રાચીન ધોળાવીરાની મુલાકાત લઈ સિંધુ સંસ્કૃતિના હજારો વર્ષ પુરાણા ઇતિહાસથી વાકેફ થશે. આ ઉપરાંત તેઓ આખા દેશમાં ભૂકંપ આધારિત એકમાત્ર મ્યુઝિયમ એવા સ્મૃતિવનની પણ મુલાકાત લેવાના છે.
Also read: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રની ચાર દિવસના મુલાકાતે…
રાષ્ટ્રપતિની સરહદી જિલ્લાની આ મુલાકાતને લઈને હરકતમાં આવી ગયેલા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૧૮મા તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પરિવાર સાથે કચ્છની મુલાકાતે આવ્યા હતા, જયારે વર્ષ ૨૦૨૩માં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ પણ કચ્છની મહેમાનગતિ માણી ચૂક્યા છે.