
પુણે: અત્યાર સુધી ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે. ભારતે છેલ્લી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે મેચ રમશે.
બાંગ્લાદેશની ટીમે 2007ના ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પરાસ્ત કરી હતી. આ હારને કારણે ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી, ત્યારે આ વખતે સુકાની રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે બદલો લઈ શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI ક્રિકેટમાં 40 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમ 31 મેચ જીતી છે. સામે પક્ષે બાંગ્લાદેશ (શાકિબ અલ હસનની આગેવાની હેઠળ)ની ટીમે 8 મેચ જીતી છે. 2014માં રમાયેલી એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
આ રીતે રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશથી આગળ છે અને તેનો રેકોર્ડ સુધારવા માંગે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશની ટીમે ભારત સામેની વનડે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સખત સ્પર્ધા આપી છે. બાંગ્લાદેશે એશિયા કપ 2023ના ગ્રુપ-સ્ટેજ મેચમાં ભારતને હરાવ્યું હતું, જે આ વર્ષે બંને ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર ODI મેચ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશે ભારતને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.
વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ ભારત બાંગ્લાદેશ સામે આગળ છે. આમ છતાં, બાંગ્લાદેશે 2007માં તેમના પ્રથમ વર્લ્ડ કપ મુકાબલામાં ભારતને હરાવ્યું હતું, પરંતુ ભારત તેના પડોશી દેશ સામે છેલ્લી ત્રણ વર્લ્ડ કપની મેચો જીત્યું છે.
અગાઉ, ભારત છેલ્લી વખત વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ સામે રમ્યું હતું જ્યારે રોહિત શર્માએ તોફાની સદી ફટકારી હતી અને ટીમ 28 રનથી જીતી હતી. ODI વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 મેચ રમાઈ છે, જેમાં ભારતે 3 અને બાંગ્લાદેશે એક મેચ જીતી છે. હવે કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ચોથી મેચ જીતવા માટે કમર કસશે તો નવા રેકોર્ડ બનાવી શકે છે.