વીક એન્ડ

19.45 કરોડનું ટાઇટલ ભલે ન જીતો, પાકિસ્તાનને પછાડીને 140 કરોડ ભારતીયોનાં દિલ જરૂર જીતી લેજો

સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રવિવાર, 23 ફેબ્રુઆરીએ રોહિતસેના અને રિઝવાનની ફોજ વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થશે 2023ના ઑક્ટોબરમાં અમદાવાદમાં ભારતે વન-ડે વર્લ્ડ કપના મુકાબલામાં પાકિસ્તાનને 117 બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવ્યું હતું. શ્રેયસ ઐયર 53 રને અને કેએલ રાહુલ 19 રને અણનમ રહ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો જેમાં થવાનો હોય એ ટૂર્નામેન્ટ ક્રિકેટોત્સવમાં ફેરવાઈ જતી હોય છે. સ્પર્ધા ક્યારે શરૂ થશે એના કરતાં એમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર કઈ તારીખે થશે એના પર નજર કરવાનું લોકો નથી ચૂકતા. એ તારીખને લઈને ક્રિકેટપ્રેમીઓ જાત-જાતની યોજનાઓ બનાવતા હોય છે, એ દિવસે ભલભલું કામ બાજુ પર રાખીને એ હાઈ-વૉલ્ટેજ મુકાબલો માણવાનું નક્કી કરી લેતા હોય છે અને જો એ મૅચ રવિવારને બદલે બીજા કોઈ દિવસે હોય તો ઑફિસમાં એ દિવસે કેવી રીતે ગેરહાજર રહેવું એ પણ ઘણા લોકો મનોમન વિચારી રાખતા હોય છે.

ક્રિકેટજગતની આવી સૌથી તીવ્ર હરીફાઈવાળી મૅચ રમાવાની હોય એટલે કરોડો ભારતીયો દુશ્મન-દેશ પાકિસ્તાનની ટીમને ભારતીય ટીમ પછાડે એવી પ્રાર્થના અચૂક કરી લે એ સ્વાભાવિક છે. આવી જ એક પ્રાર્થનાનો દિવસ નજીક આવી ગયો છે. રવિવાર, 23મી ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર બપોરે બરાબર 2.00 વાગ્યે ટૉસ ઉછાળવામાં આવશે અને 2.30ના ટકોરે પહેલો બૉલ ફેંકવામાં આવશે.મર્યાદિત ઓવરોની ક્રિકેટ મૅચોમાં ભારતે પાકિસ્તાન પર મોટા ભાગે પ્રભુત્વ જમાવી રાખ્યું છે, પરંતુ ખાસ કરીને બે મૅચ એવી રમાઈ ગઈ જે બદલ પ્રત્યેક ભારતીયને થોડો અફસોસ થતો જ હશે. વાત એવી છે કે વન-ડેના વર્લ્ડ કપમાં તો ભારત ક્યારેય પાકિસ્તાન સામે નથી હાર્યું, પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં ભારતે એક પરાજય જોવો પડ્યો છે. એ એક મૅચ અને છેલ્લે 2017માં રમાયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં થયેલી હારવાળી બીજી મૅચ ભારત માટે બે મોટી કમનસીબી છે. આ બે મૅચ જેવી કમનસીબીનું આગામી 23મી ફેબ્રુઆરીએ દુબઈમાં પુનરાવર્તન ન થાય એની રોહિત શર્મા ઍન્ડ કંપનીએ તકેદારી રાખવાની છે.

વન-ડેના વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ આઠ મુકાબલા થયા છે અને એ તમામ આઠ મુકાબલા ભારતે જીત્યા છે.
ટી-20ના વિશ્વ કપમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ આઠ ટક્કર થઈ છે જેમાંથી સાત ભારતે જીતી છે અને માત્ર એક મૅચમાં પાકિસ્તાનનો વિજય થયો છે. યાદ અપાવવાની કે સપ્ટેમ્બર, 2007માં ટી-20 વર્લ્ડ કપમાં જે મૅચ ટાઇ થઈ હતી એમાં ભારતનો વિજય થયો હતો. ફક્ત 2021ની ટી-20 એવી હતી જેમાં ભારતીય બૅટર્સના ફ્લૉપ-શો બાદ મોહમ્મદ રિઝવાન (79 અણનમ) અને બાબર આઝમ (68 અણનમ)ની જોડીએ પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો. એ મૅચ દુબઈમાં રમાઈ હતી અને રવિવાર, 23મી ફેબ્રુઆરીએ ફરી દુબઈમાં બન્ને દેશની ટીમ સામસામે આવવાની છે. હવે ચૅમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો 2013ની ફાઇનલમાં ભારતે ઇંગ્લૅન્ડને પાંચ રનથી હરાવીને પહેલી વાર આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી લીધી હતી, પરંતુ ત્યાર બાદ 2017માં ચૅમ્પિયન્સ ટ્રોફીની લંડનના ઓવલમાં જે ફાઇનલ રમાઈ એમાં પાકિસ્તાન સામે ભારતનો 180 રનથી પરાજય થયો હતો. એનો બદલો ભારતે હવે 23મી ફેબ્રુઆરીએ લેવાનો છે.

આઇસીસી ટૂર્નામેન્ટ જીતવામાં પણ પાકિસ્તાનથી ભારત ક્યાંય આગળ છે. ભારતની 11 આઇસીસી ટ્રોફી સામે પાકિસ્તાન પાસે માત્ર પાંચ ટાઇટલ છે. ભારત-પાકિસ્તાન મુકાબલાઓથી બન્ને દેશના કરોડો લોકોને બહુ સારું મનોરંજન મળી રહે છે. આ મૅચોથી બેઉ દેશ વચ્ચેના રાજકીય સંબંધો સુધરે એવી સુફિયાણી વાતો કેટલાક લોકો કરતા હોય છે, પણ એ સંભવ નથી. કારણ એ છે સરહદ પારથી પાકિસ્તાનના સૈનિકોએ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનું ચાલુ જ રાખ્યું છે એટલે ભારત સરકાર હજી દાયકાઓ સુધી પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવા તૈયાર નહીં થાય એમાં બેમત નથી. હા, આ હાઈ-વૉલ્ટેજ ક્રિકેટ ટક્કરથી બન્ને દેશની કંપનીઓને, આ મૅચના આયોજક સ્થળના માલિકોને તેમ જ ટીવી બ્રૉડકાસ્ટર્સને ધીકતી કમાણી જરૂર થતી હોય છે.

પાકિસ્તાનના પ્રમુખ શેહબાઝ શરીફે તાજેતરમાં જાહેરમાં કહ્યું હતું કે `પાકિસ્તાની ટીમનું ખરું કામ માત્ર ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાનું જ નહીં, પણ કટ્ટર હરીફ ભારતને હરાવવાનું પણ છે.’ ભારત માટે આ કોઈ નવી વાત નથી. આવું તો ભારતમાં દાયકાઓથી સામાન્યમાં સામાન્ય ક્રિકેટપ્રેમી માનતો આવ્યો છે અને 23મી ફેબ્રુઆરીએ ફરી એકવાર પ્રાર્થના કરશે કે મોહમ્મદ રિઝવાનની પાકિસ્તાનની ટીમને રોહિતસેના કચડી નાખે. ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમને 19.45 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળવાનું છે. આપણે ઇચ્છીએ કે ભારત બીજી વાર આ સ્પર્ધા જીતે, પરંતુ એનાથી વિશેષ વાત એ છે કે વિજેતાપદ નહીં મળે તો એક વાર ચાલશે, પણ પાકિસ્તાનને તો હરાવવું જ જોઈશે. ટીમ ઇન્ડિયાનું એ જ ખરું વિજેતાપદ કહેવાશે અને એવું થશે તો 140 કરોડ ભારતીયોનું સપનું સાકાર થયું કહેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button