પાકિસ્તાન ફરી આતંકવાદીઓના નિશાન પરઃ બોમ્બ ધડાકામાં નવનાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આજે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને લઇ જતું એક વાહન રસ્તા કિનારે લગાવવામાં આવેલા બોંબના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે સાત ઘાયલ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હરનાઇના ડેપ્યુટી કમિશ્નર હઝરત વલી કાકરના જણાવ્યા અનુસાર પ્રાંતના હરનાઇ જિલ્લાના શાહરાગ વિસ્તારમાં એક મીની ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે કહ્યું કે ભોગ બનનારાઓ કોલસાની ખાણમાં કામ કરતા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો
પોલીસે જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિસ્ફોટ રસ્તાની બાજુમાં લગાવવામાં આવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસના કારણે થયો હતો. કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રાંદે આ દુઃખદ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ આ કેસની તપાસ આરંભી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. હજુ સુધી કોઇ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ ભૂતકાળમાં આવા હુમલાઓ માટે પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મીને દોષિત ઠેરવાયું છે.