ચાલતી ટ્રેનમાંથી ચોરને પકડ્યાંઃ સોનાના દાગીના સાથે 1.35 કરોડની મત્તા જપ્ત
એક મહિલા સહિત ત્રણ આરોપી ઝડપાયા

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં રેલવે પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી ટ્રેનમાંથી ચોરી કરનારી ગેંગને પકડી પાડી છે. હૈદરાબાદથી ચોરી કરીને ભાગી રહેલા ત્રણ આરોપીની તેલંગણા એક્સપ્રેસમાંથી ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસની સૂચનાને આધારે આરપીએફએ આ કાર્યવાહી કરી છે.
હૈદરાબાદ પોલીસે નાગપુર રેલ્વે પોલીસને જાણ કરી હતી કે એક આરોપી મોટી ચોરી કરીને તેલંગાણા એક્સપ્રેસમાં બેઠો છે અને તે દિલ્હી તરફ જવાની શક્યતા છે. ટ્રેન નાગપુર પહોંચી કે તરત જ રેલવે પોલીસના જવાનોએ ટ્રેનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એક પછી એક બોગીની તલાશી લેતા ત્રણ શકમંદો ઝડપાયા હતા, તેમાં એક મહિલા પણ હતી.
સુરક્ષાકર્મીઓ એક આરોપીને શોધી રહ્યા હતા, પરંતુ અહીં ત્રણ શંકાસ્પદ મળ્યા હતા. ત્રણેને નાગપુરથી 40 કિમી દૂર કાટોલ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા હતા, તેમની પાસે સામાનમાં 4 બેગ હતી. ત્રણ બેગમાં તેમનો અંગત સામાન હતો, પરંતુ ચોથી બેગ ખોલતા જ સુરક્ષાકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી પડી પહેલી વિકેટઃ નાના પટોલેની કરી વિદાય, આ નેતાને મળ્યું સુકાન
નાગપુર ડિવિઝનના આરપીએફના કમાન્ડન્ટ મનોજ કુમારે જણાવ્યું કે બેગમાં દાગીના ભરેલા હતા. ભારતની સાથે અન્ય 24 દેશોની કરન્સી પણ હતી, જેમાં અમેરિકન ડૉલર, યુરો, બ્રિટિશ પાઉન્ડ, સાઉદી રિયાલ, પાકિસ્તાની રૂપિયો, વિયેતનામી ડોંગ વગેરેનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી 19 લાખથી વધુની રોકડ પણ મળી આવી હતી. હીરા, સોના અને ચાંદીના દાગીના મળ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 1,35,55,000 છે.
આરોપીઓમાં સુશીલ સુરત બિહારનો, મલાહ સોનાય બિહારનો છે, જયારે બસંતી મખાન આર્ય પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનું કહેવાય છે. આ પૈકીનો એક આરોપી જે ઘરમાં ચોરીની ઘટના બની હતી ત્યાં કામ કરતો હતો. ઘરના માલિક વિદેશ પ્રવાસે હોવાનો લાભ લઈને આ લોકોએ ત્યાં ચોરી કરી હતી.