કચ્છીઓ માટે સારા સમાચાર: ભુજ-નલિયા રૂટ એપ્રિલ માસથી દોડશે પેસેન્જર ટ્રેન

ભુજ: કચ્છ વાસીઓ માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. જેમાં ભુજ-નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જતાં હવે આ રૂટ પરથી માલગાડીઓ વિદ્યુત સંચાલિત થશે અને આગામી એપ્રિલ 2025થી મુસાફર ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિફિકેશન અધિકારી સોમેશ્વર ગોરે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભુજ-નલિયા રેલ ટ્રેકને આધુનિક ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો વિસ્તૃત અહેવાલ મુંબઈની ચર્ચગેટ સ્થિત રેલવે વડી કચેરીને મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ભુજ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકે રિક્ષાને ટક્કર મારતા આઠ ઘવાયા…
એપ્રિલમાં થશે રેલ સેવાની શરૂઆત
મંજૂરી મળ્યા બાદ, માર્ચના અંત સુધીમાં મુંબઈથી રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ભુજ-નલિયા ટ્રેકના વિદ્યુતીકરણ કાર્યનું નિરીક્ષણ કરશે અને એપ્રિલમાં વિધિવત રેલ સેવાની શરૂઆત થવાની સંભાવના છે. ગત વર્ષે જ આ રૂટ પર માલગાડી સેવા શરૂ થઈ હતી, જે હવે વિદ્યુત સંચાલિત થશે. આ વિકાસથી માત્ર પશ્ચિમ કચ્છના જ નહીં, પરંતુ અન્ય વિસ્તારોમાં વસતા કચ્છી લોકો માટે પણ મુસાફરી સરળ બનશે. નલિયાના લોકોને લાંબા સમય બાદ ફરી એક વખત ટ્રેનની મુસાફરીનો લાભ મળશે, જે આ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ કદમ સાબિત થશે તેમ સોમેશ્વર ગોરે ઉમેર્યું હતું.