DhoomDham movie review: કન્ફ્યુઝનની રેસિપિમાં મનોરંજનનો મસાલો થોડો ઓછો પડ્યો…
![DhoomDham movie review: The spice of entertainment was a little lacking in the recipe of confusion](/wp-content/uploads/2025/02/dhoom-dhaam-movie.jpg)
ફિલ્મ જ્યારે મનોરંજક વાર્તાના રૂપમાં બનાવો ત્યારે તેમાં મનોરંજનનો મસાલો ભરપૂર હોવો જોઈએ. કારણ કે જે લોકો હળવા થવા માંગે છે, ટાઈમપાસ કરવા માગે છે તે તમને જોશે અને તેમને જો મજા નહીં પડે તો તમને પણ મજા નહીં આવે. આમ તો પ્રતીક ગાંધી અને યામી ગૌતમ ગમે તેવી ફિલ્મો સાઈન કરે તેવા નથી, તેમણે સારી જ ફિલ્મ સાઈન કરી, પણ કમનસીબે ફિલ્મ જોઈએ તેવી સારી બની નહીં. તો જાણો ઓટીટી પર રિલિઝ થયેલી ધૂમધામ ખરેખર ધૂમધડાકાવાળી છે કે નહીં.
![](/wp-content/uploads/2025/02/Yami-Gautam-Pratik-Gandhi-1-1-1024x576.webp)
કેવી છે સ્ટોરી
ફિલ્મની શરૂઆત થોડી હટકે થાય છે. કોયલ (યામી) અને વીર (પ્રતીક)ના એરેન્જ્ડ મેરેજ છે. બન્નેની સુહાગરાત એક દુઃસ્વપ્નમાં ફેરવાય છે. પ્રતીક પાસે કોઈ ચાર્લી નામની વ્યક્તિ છે તેમ સમજી તેનો પીછો કરવામાં આવે છે. બન્ને ઘરથી ભાગે છે અને તેમની પાસે ગુંડા અને તેમની મદદે પોલીસ. હવે આ વચ્ચે શું થાય છે તે માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મની શરૂઆત સારી થઈ છે. કોયલ નામની છોકરી કોયલ જેવી મીઠી નથી અને વીરમાં વીરતા જેવું કંઈ નથી. ફિલ્મ જલદીથી મુદ્દા પર આવે છે અને સડસાડટ ચાલે છે. માત્ર 1.48 કલાકની ફિલ્મ હોવાથી એક બે સિનને બાદ કરતા વધુ ખેંચવાની જરૂર પડી છે. ફિલ્મ માર ખાઈ ગઈ છે સ્ક્રીનપ્લે અને સ્ટોરી ટેલિંગમાં. ફિલ્મના ઘણા સિકવન્સ અનવૉન્ટેડ છે.
જેમકે યામીનો મોનોલૉગ. માત્ર મોનોલૉગ તમે જૂઓ તો ખૂબ જ સરસ, પણ એક માણસનો જીવ જતો હોય ત્યારે તે આવી ડાયલૉગબાજી કરવા બેસે, તે વાત ગળેથી ઉતરે નહીં. પ્રતીકનો ફોબિયા ઘણો લાંબો ખેંચાયો. ફિલ્મની સ્ટોરી બતાવવામાં જે મનોરંજક શૈલી હોવી જોઈએ તે નથી.
કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
યામી અને પ્રતીક પોતપોતાના કેરેક્ટરમાં એકદમ ફીટ બેસે છે. એક દુલ્હનમાંથી અચાનક કાર રેસર અને બમ્બૈયા હિન્દી બોલતી યામી તમને નવી લાગશે. પ્રતીક પણ પોતાના ડાર્ક ટોનમાં એકદમ સ્યૂટેબલ લાગે છે. એજાઝ ખાન પણ મજા કરાવે છે.
રીષભ સેઠનું ડિરેક્ટશન ટૂકડે ટૂકડે સારું છે, પરંતુ વાર્તા કહેવામાં જોઈએ તેવા કસાયેલા સાબિત નથી થયા. ફિલ્મ નાની છે એટલે વાર્તા સારી રીતે કહેવાનું સહેલું હોય છે. અમુરક સિન્સ મજા કરાવે છે, ઈમોશનલ પણ કરે છે, પરંતુ આખી ફિલ્મ જોઈએ તેવી છાપ છોડતી નથી. તેમ છતાં બોરિંગ પણ નથી. ઘરે બેસીને જ જોવાની છે એકવાર જોવામાં વાંધો નહીં.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3/5