ટોપ ન્યૂઝનેશનલ

આવતીકાલથી CBSE 10th અને 12th ની પરીક્ષા; આ 10 નિયમો જરૂરથી વાંચીને જજો નહીં તો મુશ્કેલી પડી શકે છે

નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો શરુ થતા પરીક્ષાની મોસમ પણ શરુ થઇ ગઈ છે. આવતી કાલે 15મી ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ (CBSE 10th and 12th standard exams) થશે. બંને ધોરણોના મળીને દેશભરમાંથી 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એ પહેલા CBSEએ પરીક્ષા દરમિયાન અને એ પહેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

CBSEએ સ્પષ્ટ સૂચના આપી છે કે સવારે 10 વાગ્યા પછી કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરીક્ષા સવારે 10:30 થી બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે, જ્યારે કેટલાક વિષયો માટે પરીક્ષા સવારે 10.30 થી બપોરે 12.30 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય મળશે. વિદ્યાર્થીએ કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્રમાં અડધો કલાક વહેલા પ્રવેશ કરવો પડશે. પ્રથમ દિવસે ધોરણ 10ની અંગ્રેજી અને ધોરણ 12ની એન્ટરપ્રેનીયોરશીપ વિષયની પરીક્ષા લેવામાં આવશે.

ધો.10 અને ધો.12ની પરીક્ષા માટે CBSEની ગાઈડલાઈન્સ:

  1. ડ્રેસ કોડ:
    નિયમિત ધોરણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના શાળાના યુનિફોર્મમાં પરીક્ષા આપવા આવશે. ખાનગી ઉમેદવારો હળવા રંગના કપડાં પહેરીને પરીક્ષા આપવા આવશે.
  2. આ ડોક્યુમેન્ટર સાથે રાખવા;
    CBSE પરીક્ષાના એડ્મિટ કાર્ડની સાથે, વિધાર્થીઓને શાળાનું ID કાર્ડ પણ લાવવું રહેશે.
  3. પરીક્ષામાં આ વસ્તુઓ લઇ જવાની મંજૂરી:
    a. એડ્મિટ કાર્ડ અને શાળાનું ID કાર્ડ (નિયમિત વિદ્યાર્થીઓ માટે)
    b. એડ્મિટ કાર્ડ અને કોઈપણ સરકારી ફોટો ID પ્રૂફ (ખાનગી વિદ્યાર્થીઓ માટે)
    c. સ્ટેશનરી વસ્તુઓ એટલે કે પારદર્શક પાઉચ, જીઓમેટ્રી/પેન્સિલ બોક્સ, બ્લુ બોલ પોઈન્ટ/જેલ પેન, સ્કેલ, રાઈટીંગ પેડ, ઈરેઝરરબર, એનાલોગ ઘડિયાળ, પારદર્શક પાણીની બોટલ.
    d. મેટ્રો કાર્ડ, બસ પાસ, પૈસા.
  4. પરીક્ષામાં આ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ:
    a. કોઈપણ અભ્યાસ સામગ્રી (પ્રિન્ટેડ અથવા લેખિત), કાગળના ટુકડા, કેલ્ક્યુલેટર, પેન ડ્રાઇવ, લોગ ટેબલ, ઇલેક્ટ્રોનિક પેન/સ્કેનર, વગેરે.
    b. કોઈપણ કમ્યુનિકેશન ડીવાઈસ- જેમ કે મોબાઇલ ફોન, બ્લૂટૂથ, ઇયરફોન, માઇક્રોફોન, પેજર, હેલ્થ બેન્ડ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરા, વગેરે.

c. પાકીટ, ગોગલ્સ, હેન્ડબેગ, પાઉચ વગેરે જેવી અન્ય વસ્તુઓ.

  1. એક દિવસ પહેલા તમારા પરીક્ષા કેન્દ્રની તપાસ કરી લો:
    બોર્ડે વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા તેમના એડ્મિટ કાર્ડ પર લખવામાં આવેલા પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું છે. જેથી ઉમેદવારો સ્થળ જાણી શકે અને પરીક્ષાના દિવસે કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે.
  2. બોર્ડે કહ્યું છે કે એડ્મિટ કાર્ડમાં ફોટા સહિતની વિગતોની પુષ્ટિ કર્યા પછી, વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેના પર સહી કરવાની રહેશે. બોર્ડે કહ્યું કે વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડમાં આપેલી સૂચનાઓ વાંચવી જોઇએ.
  3. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ્યા પછી કમ્યુનિકેશન ડીવાઈસ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રાખવા, ઉપયોગ કરવા અથવા ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો એ અયોગ્ય કૃત્ય અને નિયમોની વિરુદ્ધ ગણવામાં આવશે.
  4. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓને વર્તમાન વર્ષની પરીક્ષા સાથે આગામી વર્ષની પરીક્ષાથી આપવા દેવામાં આવશે નહીં.
  5. બોર્ડે કહ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ઉત્તરપત્રમાં અપશબ્દો કે ધમકીભર્યા શબ્દો લખે છે અથવા ચલણી નોટ રાખે છે, તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
  6. CBSEએ CCTV પોલિસી પણ લાગુ કરી છે જે હેઠળ તમામ પરીક્ષા ખંડ/હોલ સીસીટીવીથી સજ્જ હશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ (સીસીટીવી મોનિટરિંગ) દ્વારા આનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાશે અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. બંને પરીક્ષાઓ સવારે 10.30 વાગ્યાથી એક જ શિફ્ટમાં લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button