!["Dawoodi Bohra community in Malegaon announces mobile phone ban for children under 15 years."](/wp-content/uploads/2025/02/no-mobile-policy-dawoodi-bohra-malegaon-1.webp)
નાના બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવવા અને તેની આડઅસરોથી વાકેફ કરવા તથા તેમના સ્વાસ્થ્યને સુધારવા નાસિકના માલેગાંવ ખાતેના દાઉદી વોહરા સમુદાયે એક અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલ ન આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સમુદાયના ધાર્મિક નેતા ડૉ. સૈયદ નામ મુફત્તલ સૈફુદ્દીને લીધો છે.
બાળકોને મોબાઇલની આડઅસરોથી વાકેફ કર્યાઃ-
સૈયદના સાહેબે સમાજના બાળકો સાથે ચર્ચા કરી હતી અને તેમને મોબાઈલથી થતી સમસ્યાઓ વિશે જાગૃત કર્યા હતા. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી બાળકો પર ઘણી નકારાત્મક અસરો પડે છે. લાંબો સમય સુધી સ્ક્રીન સામે જોયા કરવાથી આંખની સમસ્યા થાય છે અને દ્રષ્ટિ પણ નબળી પડે છે. આ ઉપરાંત ગરદન અને પીઠનો દુખાવો પણ થાય છે. એક જ જગ્યાએ સતત બેસી રહેવાથી સ્થૂળતા આવે છે અને શારીરિક રીતે નબળાઈ અનુભવાય છે. સતત મોબાઇલમાં રાચ્યાપચ્યા રહેવાથી માનસિક રીતે પણ ઊંધી અસર પડે છે. બાળકોમાં ઊંઘનો અભાવ, હતાશા, ચીડિયાપણું, ચિંતા જોવા મળે છે. નાના બાળકોમાં સ્ક્રીન સમય વધવાને કારણે ઓટિઝમના કેસોમાં પણ વધારો નોંધાયો છે.
Also read: શું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ સગીર બાળકોને અશ્લીલતા પીરસે છે? ઝુકરબર્ગ સામે નોંધાયો કેસ…
દાઉદી બોહરા સમુદાયે માતાપિતાને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોને મોબાઇલ ફોનથી થતા નુક્સાન વિશે સમજાવે અને બાળકોને મોબાઇલ વ્યસનથી બચાવવાના અભિયાનનો ભાગ બને. દાઉદી બોહરા સમુદાયનું આ પગલું બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. જો આવા પ્રયાસોનો વ્યાપકપણે અમલ કરવામાં આવે તો બાળકોની જીવનશૈલી અને ભવિષ્ય બંને સુધારવામાં મદદ મળી શકે છે.