ઇન્ટરનેશનલ

ઇઝરાયલની તાકાત વધશે!

જો બાઇડેન બાદ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ ઈઝરાયલ જશે

ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે ભારે ખુવારી થઇ છે, પરંતુ બંને પક્ષ આર યા પારની લડાઇ કરી લેવાના મુડમાં છે. આ ભીષણ લડાઇએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

આ યુદ્ધમાં અમેરિકા મક્કમતાથી ઈઝરાયલની પાછળ ઉભું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈઝરાયલની તરફેણમાં ખુલ્લું વલણ અપનાવ્યું છે અને તેને સમર્થન જાહેર કર્યું છે. જો બાઇડેન ઈઝરાયેલની મુલાકાતે છે. તેમના પગલે પગલે હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ઈઝરાયેલની મુલાકાતે જવાની તૈયારી કરી રહ્યા છે.

જી હા, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક હવે ઈઝરાયલની મુલાકાતે જવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, તેના વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ તેઓ આ સપ્તાહે તેલ અવીવ જાય તેવી શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ ઈઝરાયલ જવા રવાના થઈ ગયા છે. તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળશે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયે ઈઝરાયલની મુલાકાત લઈ શકે છે. ગયા અઠવાડિયે, વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવરનેસે પણ ઇઝરાયલના લોકો સાથે એકતા દર્શાવવા મુલાકાત લીધી હતી. ઑક્ટોબર 9 ના રોજ, વ્હાઇટ હાઉસે એક સંયુક્ત પત્ર જારી કર્યો હતો, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મનીએ ઇઝરાયલ માટેના તેમના સમર્થનની જાહેરાત કરી હતી.


દરમિયાન ગાઝાની હૉસ્પિટલ પર થયેલા હવાઇ હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા છે. જો બાઇડેને આ ઘટના પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઇઝરાયલને કેટલાક સખત સવાલ પૂછવાની તૈયારી કરી લીધી છે.


ફઝરાયલ મુલાકાત દરમિયાન જો બાઇડેન આરબ દેશોના નેતાઓ સાથે મળવાના હતા, પણ આ હવાઇ હુમલા બાદ જોર્ડને સમિટ રદ કરી હોવાના અહેવાલ છે. જોકે, હૉસ્પિટલ પરના આ હુમલામાં પોતાનો હાથ નહીં હોવાની ઇઝરાયલે સ્પષ્ટતા કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button