રિશ્તે મેં સ્ટાર કે બાપ હૈ!

મહેશ નાણાવટી
જિતેન્દ્ર, હરિવંશરાય બચ્ચન, સાહિર લુધિયાનવી ફિલ્મ સ્ટારર્સ મોટા ફિલ્મ સ્ટાર બની જાય પછી તો એમના પિતાજીઓની ઓળખ એમનાં સંતાનો બની જતાં હોય છે, પરંતુ સ્ટાર બન્યા પહેલાં એમના સંબંધો કેવા હોય છે? જોકે આ બધા કિસ્સા મોટા થઈ ચૂકેલા સ્ટાર્સના મોઢે જ સાંભળવા મળે છે. જિતેન્દ્રએ બહુ જૂનો કિસ્સો યાદ કરતાં તાજેતરમાં કહ્યું કે જ્યારે ‘સહેરા’ ફિલ્મ બની રહી હતી ત્યારે વી. શાંતારામે એમને માત્ર એક ‘એક્સ્ટ્રા’નો રોલ આપેલો. એકવાર જીતુભાઈ (જિતેન્દ્ર) સેટ ઉપર એક કલાક મોડા પહોંચ્યા તો શાંતારામે ગુસ્સામાં બધા સામે એને કહી દીધું:
‘યે કોઈ આનેકા વક્ત હૈ? યે લડકે કો વાપસ બમ્બઈ ભેજ દો!’ (શૂટિંગ નાગપુરમાં હતું.) જિતેન્દ્રને એટલી બધી ‘ચાટી ગઈ’ કે એ સીધા પહોંચ્યા પ્રોડક્શનની ઑફિસમાં અને ત્યાંથી મુંબઈ પોતાના પપ્પાને ફોન લગાડીને બળાપો કાઢ્યો ‘એક તો મને મામૂલી એક્સ્ટ્રાનો રોલ આપ્યો છે અને ઉપરથી મને આટલું બધું ખખડાવે છે! હું તો પાછો આવતો રહું છું…’
એ ઘટના યાદ કરતાં જિતેન્દ્ર કહે છે : ‘મેરે પિતાજીને મુઝે ઔર જ્યાદા ડાંટા! ઔર કહા કી ખબરદાર, જો વાપસ આયા તો…’ વગેરે વગેરે. બીજા દિવસે આપણા જીતુભાઈ સવારે છ વાગે, મેકપ સાથે, કોસ્ચ્યુમનાં વસ્ત્રો પહેરીને શાંતારામ સાહેબની રૂમના દરવાજે જઈને ઊભા રહ્યા! શાંતારામ બહાર આવે છે. ત્યાં તો જિતેન્દ્રની આંખોમાં આંસુ! જિતેન્દ્ર કહે છે: ‘શાંતારામજીને કુછ નહીં કહા… પીઠ પર હાથ મારકે બોલે, ચલ બદમાશ,આ જા!’ જિતેન્દ્ર ઉમેરે છે: ‘જો એ દિવસે મને મારા પિતાજીએ ખખડાવ્યો ના હોત તો ખબર નહીં આજે હું ક્યાં હોત?’ અમિતાભ બચ્ચનના પિતાજી તો પોતાના સમયના બહુ જાણીતા હિન્દી ભાષાના કવિ હતા. બચ્ચન સાહેબે એ દિવસોના કિસ્સા વારંવાર જાહેરમાં કહ્યા છે:
‘પિતાજી જબ દેર રાત કો કવિ સંમેલન સે વાપસ આતે, તબ દરવાજા ખોલને કી જિમ્મેદારી મેરી હુઆ કરતી થી… મૈં દરવાજા ખોલ કર પૂછતા થા, પિતાજી, આજ કુછ મિલા?’ અહીં ‘કુછ’ મિલાનો મતલબ સંમેલનના આયોજકોએ કેટલા રૂપિયાનો ‘પુરસ્કાર’ આપ્યો એમ થતો હતો. ત્યારે પિતાજી કહેતા: ‘મન કા મિલે તો અચ્છા હૈ, ના મિલે તો ઔર ભી અચ્છા…’
બાય ધ વે, તમને યાદ કરાવી દઈએ કે કવિ હરિવંશરાય બચ્ચન એમ કંઈ સાવ ‘હેન્ડ ટૂ માઉથ’ નહોતા. એ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને દિલ્હીમાં તો એમનાં પત્નીની ઈન્દિરા ગાંધી સાથેની નિકટતાને કારણે બહુ સારા બંગલામાં રહેવા પણ મળ્યું હતું! પરંતુ અહીં વાત ‘મનના અભાવ’ની છે…
અમિતજી એ ઘટનાને પોતાના સૌથી ખરાબ સમય સાથે જોડતાં કહે છે: ‘એબીસીએલમાં કરોડોનું નુકસાન થઈ ગયું હતું. લેણદારો પરેશાન કરી રહ્યા હતા. ઈન્ડસ્ટ્રીમાં નામ ખરાબ થઈ ચૂકયું હતું. તે વખતે પિતાજીની તબિયત પણ ખરાબ રહેતી હતી…’ તેવા સમયે અમિતજી એકવાર આખી રાત પિતાજીની પથારીની બાજુમાં જાગતા બેસી રહ્યા હતા. સવારે જ્યારે હરિવંશરાય જાગ્યા તો અમિતાભને જોઈને પૂછે છે: ‘બડે પરેશાન લગ રહે હો? સબ ઠીક તો હૈ?’ ત્યારે અમિતાભે હતાશાથી કહ્યું, ‘કુછ ઠીક નહીં હૈ… ઐસા કયું હોતા હૈ, બાબુજી?’
એ વખતે બાબુજીએ કહ્યું હતું : ‘એક બાત સમજો… હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા હૈ…’ બસ, એ પછી અમિતજીના કહેવા મુજબ એમણે હતાશા ખંખેરી નાખી! એ એક વહેલી સવારે પોતાના પડોશમાં રહેતા યશ ચોપરાના ઘરે ગયા અને એક્ટિંગ કરવા માટે ‘રોલ’ માગ્યો! …ધ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. બરોબર?
મોટાભાગના ફિલ્મ સ્ટારો પોતાના પિતાજી વિશે બહું સારું સારું બોલતા હોય છે, પરંતુ જાણીતા સ્ક્રીપ્ટ રાઈટર કમ શાયર જાવેદ અખ્તરને પિતાજી સાથે ફિલ્મી ભાષામાં કહીએ તો ‘છત્તીસ કા આંકડા’ હતો! આ વિશે એ જાહેરમાં પણ ખાસ્સું કહી ચૂક્યા છે. વાસ્તવિકતા એ હતી કે જાવેદ અખ્તરના પિતા જે હિન્દી ફિલ્મોમાં ‘જાં નિસાર અખ્તર’ નામે ગીતકાર તરીકે મશહૂર હતા. એમના માટે જાવેદ અખ્તરને બાળપણથી ભારોભાર નફરત હતી! કારણ એ હતું કે ગ્વાલિયરથી મુંબઈ જતા રહ્યા પછી એમણે એમની પત્નીને કદી કોઈ પૈસા મોકલ્યા જ નહીં! એટલું જ નહીં, જાવેદ જાણતા હતા કે એ મુંબઈમાં કોઈ બીજી સાથે રહેતા હતા! જાવેદનાં અમ્મીજાન આ બધું જાણવા છતાં એ બાબતે ચૂપ રહેતાં હતાં. એ સંઘર્ષમાં જાવેદની માતાને કૅન્સરની બીમારી લાગુ પડી. આવા સમયે પણ અબ્બુજાન તરફથી કોઈ સહાય કે સાંત્વન મળ્યું નહીં. માતાનાં મૃત્યુ પછી જાવેદનો ઉછેર એમના નાનાજીને ત્યાં થયો…
છેવટે જ્યારે ખુદ જાવેદ અખ્તર પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યા ત્યારે ધરાર પોતાના પિતાજીને ઘરે ગયા નહોતા! એ દિવસોમાં તે જાણીતા ફિલ્મ શાયર સાહિર લુધિયાનવીને ઘરે રહ્યા હતા. જોવાની વાત એ હતી કે સાહિર અને જાં નિસાર મિત્રો હતા! સાહિર સાહેબે બાપ-દીકરાના સંબંધો સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ જાવેદ અખ્તર સતત દૂર જ રહ્યા. અંગ્રેજીમાં ‘ગોડફાધર’નામનો શબ્દ છે. એ અર્થમાં સાહિર લુધિયાનવી જાવેદ અખ્તરના ગોડફાધર હતા. 1976માં જાં નિસાર અખ્તરનું નિધન થયું ત્યારે જાવેદ અખ્તરના શું પ્રતિભાવ હતા તેની તો ખબર નથી, પરંતુ સાહિર સાહેબ 1980માં ગુજરી ગયા એનાં વરસો પછી જાવેદ સાહેબે એક નાનકડી શ્રદ્ધાંજલિ રૂપે ખૂબ જ ઈમોશનલ પિસ લખ્યો હતો:
‘દો સૌ રૂપયે…’ એમાં યાદગીરી હતી સો સો રૂપિયાની બે નોટની, જે સાહિર સાહેબે જાવેદને, અને તકલીફના દિવસોમાં આપ્યા હતા એ પણ હાથમાં નહીં, ત્યાં એમના ઘરમાં એક ટેબલ પર પડ્યા હતા તેને ઈશારાથી લઈ લેવા કહ્યું હતું. જુવાનને શરમિંદા ન થવું પડે એટલા ખાતર! પછી તો જાવેદ સાહેબ સમૃદ્ધ થયા છતાં મજાકમાં કહેતા ‘આપ કે દો સૌ રૂપયે મેરે પાસ હૈં, મગર મેં દુંગા નહીં…’ આ મજાક વરસો સુધી ચાલતી રહી, પરંતુ એનો છેડો સાવ અલગ રીતે આવ્યો.
જ્યારે સાહિર લુધિયાનવી ગુજરી ગયા ત્યારે જાવેદ અખ્તર ખૂબ જ ઉદાસ હતા. કબ્રસ્તાનમાં એ છેક છેલ્લે સુધી ગુમસુમ બેસી રહ્યા હતા. આખરે જ્યારે જવા માટે નીકળ્યા ત્યારે સાહિરના એક દોસ્ત અશફાક ભાઈએ કહ્યું : ‘આપ કે પાસ કુછ રૂપયે પડે હૈં? કબ્ર બનાનેવાલે કો દેને હૈં… મૈં જલ્દબાજી મેં ઐસે હી ઘર સે નિકલ આયા થા.’ જાવેદ સાહેબ લખે છે: ‘મૈંને પૂછા, કિતને દેને હૈ?’ ઉન્હોને કહા: ‘દો સૌ રૂપયે!’