મધુબાલાનું મ્યુઝિકલ મેજીક આ ‘અનારકલી’ના અપ્રતિમ સૌંદર્યથી અનેક આંખોમાં ચમક આવી છે તો એનાં ગીતોએ ઘણા કાનમાં ઘંટડીઓ પણ રણકાવી છે !

હેન્રી શાસ્ત્રી
મધુબાલા. દેખાવે- બોલવે ને અદાકારીમાં સુધ્ધાંમાં જેવી મીઠી – મીઠડી – મધુબાલાના સૌંદર્યના અનેક લોકો દીવાના હતા, આજે પણ છે. જોકે, સાથે એવા કેટલાક રસિયા પણ છે જે મધુબાલા પર ફિલ્માવાયેલાં ગીતો પાછળ ઘેલા છે. આજે 14 ફેબ્રુઆરી. હુસ્ન કી હૂર – પ્રેમની પરી મધુબાલા 1933માં આજના દિવસે પૃથ્વી પર અવતરી હતી. એના સૌંદર્યની, એની અદાકારીની, એના પ્રેમ સંબંધની ઘણી વાત તમે જાણી હશે, માણી હશે. આમ છ્તાં, આજે મધુબાલાના કેટલાંક અવિસ્મરણીય ગીત વિશે જાણીએ અને ગીતોમાં પણ મધુબાલા કેવી મોહક લાગતી હતી એનાથી પરિચિત થઈએ. આ ગીતો યુટ્યુબ પર છે. એ જોશો ત્યારે બત્રીસ કોઠે દીવા થાય એવી અનુભૂતિ અવશ્ય થશે. મધુબાલા અને સંગીનો આ મેજિક છે.
બાળ કલાકાર તરીકે શરૂઆત કરનારી મધુબાલાની હીરોઈન તરીકે પહેલી ફિલ્મ હતી કેદાર શર્માની ‘નીલ કમલ’. બોક્સ ઓફિસ પર ફિલ્મ ઠીકઠાક ચાલી. ત્યારબાદ આવી કમાલ અમરોહીની ‘મહલ’, જે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને મધુબાલાનું નામ ચારેકોર ગુંજવા લાગ્યું. આ જ ફિલ્મથી લતા મંગેશકર (આયેગા, આયેગા, આયેગા આનેવાલા આયેગા) પણ લોકપ્રિય બન્યાં. મધુબાલા એટલે મધ જેવી મીઠડી અને એમાં મધ જેવો મીઠો લતાદીદીનો સ્વર ઉમેરાયો. બસ, પછી તો પૂછવું જ શું? ‘મહલ’ પછી નવી ફિલ્મનો કોન્ટ્રેક્ટ સાઈન કરતી વખતે ‘મારાં ગીત તો લતા મંગેશકર જ ગાશે’ એવી શરત મધુબાલા રાખતી થઈ ગઈ. નિર્માતા પણ આ શરત કબૂલ રાખતા હતા, પણ…
પણ જ્યારે ફિલ્મના સંગીત દિગ્દર્શક ઓ. પી. નય્યર હોય ત્યારે મધુબાલાની શરતનું સુરસુરિયું થઈ જતું હતું, કારણ કે ઓ. પી. નય્યર સાહેબ લતા મંગેશકર પાસે ગીત નહીં ગવડાવવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા. પરિણામે મધુબાલાની જે ફિલ્મોમાં નય્યર સાહેબનું સંગીત હતું એમાં પ્લેબેક મુખ્યત્વે ગીતા દત્ત અથવા આશા ભોસલેનું રહેતું. આજે આપણે મધુબાલા – ઓ પી નય્યરએ આપેલાં કેટલાંક યાદગાર ગીતોની મજા લઈએ. મધુબાલાની છ ફિલ્મમાં સંગીત ઓ પી નય્યરનું હતું.
મધુબાલા અને ઓ પી નય્યર વચ્ચેના સંબંધો હૂંફાળા હતા. બંનેને એકબીજા માટે આદર હતો અને એમની વચ્ચે ઘનિષ્ઠ મૈત્રી પણ હતી. મધુબાલા એમને ‘નય્યર બાબુ’ કહીને બોલાવતી અને આ સંબોધનને કારણે જ ફિલ્મવાળાઓ ઓ. પી. નય્યરને ‘બાબુજી’ કહીને બોલાવવા લાગ્યા હતા. મધુબાલાને સંગીતકાર માટે એ હદે સ્નેહ હતો કે જો તેની ફિલ્મમાં નય્યર સાહેબને સંગીત દિગ્દર્શક તરીકે સાઈન કરવામાં આવે તો મધુબાલા પોતાની ફી ઘટાડવા તૈયાર થઈ જતી.
ગુરુ દત્તની ‘બાઝ’ અને વિશેષ તો ‘આર પાર’થી ઓ. પી. નય્યરની ઓળખ બની, પણ એમાં મધુબાલા હાજર નહોતી. ’મિસ્ટર એન્ડ મિસિસ ફિફ્ટી ફાઇવ’ મધુબાલા અને નય્યર સાબની પહેલી ફિલ્મ. ‘ઉધર તુમ હંસી હો ઈધર દિલ જવાં હૈ’ રફી – ગીતા દત્તનું યુગલ ગીત છે. ગુરુ દત્ત એક આલા દરજજાના ફિલ્મમેકર હતા એ કબૂલ, ઠીકઠાક એક્ટર હતા એય સાચું, પણ આ ગીતના ફિલ્માંકનમાં જ્યારે પણ ગુરુ દત્ત પડદા પર દેખાય છે ત્યારે કેમેરા એમના પરથી હટી ક્યારે પાછો મધુબાલા પર જાય એની તાલાવેલી રહે એટલી મોહક મધુબાલા લાગે છે. બીજા ગીત ‘ઠંડી હવા કાલી ઘટા આ હી ગયી ઝૂમ કે’ની ધૂન કર્ણપ્રિય છે, પણ પડદા પર મધુબાલા આ ગીત ગણગણતી દેખાય ત્યારે શબ્દો અને સ્વરાંકન ગૌણ બની જાય છે અને મુગ્ધ ભાવે મધુબાલાને નીરખતા રહેવાનું મન થાય છે.
શક્તિ સામંતએ ‘હાવડા બ્રિજ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે કેબ્રે ડાન્સર એડનાના રોલ માટે એમને ટોપ હીરોઈન જોઈતી હતી. નરગીસ – નિમ્મીનો વિચાર કર્યો, પણ કેબ્રે ડાન્સર તરીકે આ બેમાંથી કોઈ જચતું નહોતું. મધુબાલાનું નામ પણ મનમાં રમતું હતું, પણ એ સમયે અભિનેત્રી જે રકમ માંગતી હતી એ શક્તિ સામંતને પરવડે એવી નહોતી. ‘હાવડા બ્રિજ’ના હીરો અશોક કુમાર અગાઉ ‘મહલ’ અને ’એક સાલ’ નામની ફિલ્મમાં મધુબાલા સાથે કામ કરી ચૂક્યા હતા. અશોક કુમાર પહોંચ્યા એના ઘરે અને ફિલ્મની વાર્તા સંભળાવી શક્તિ સામંતની સમસ્યાનું વર્ણન પણ કર્યું. વાર્તા ખૂબ જ ગમી ગઈ હતી અને સંગીત ઓપી નય્યરનું હોવાની જાણ થતા મધુબાલા ઓછા પૈસે કામ કરવા તૈયાર થઈ ગઈ. ‘હાવડા બ્રિજ’નું મધુબાલા પર ફિલ્માવાયેલું ‘આઇએ મેહરબાં, બૈઠિયે જાને જાં’ ગીતની અફાટ લોકપ્રિયતામાં એના શબ્દો અને એની કર્ણપ્રિય ધૂન જેટલો જ ફાળો મધુબાલાનો છે. આ જ ફિલ્મનું બીજું એક ગીત છે ‘યે ક્યા કર ડાલા તુને’. આશા ભોસલેનું સોલો સોન્ગ છે પણ પિક્ચરાઈઝેશન મધુબાલા અને અશોક કુમાર પર છે. જોકે, ગીતમાં મધુબાલા એટલી મોહક લાગે છે કે અશોક કુમારનું હોવું રીતસરનું ખટકે છે.
‘ફાગુન’નું સુપરહિટ સોન્ગ ‘એક પરદેસી મેરા દિલ લે ગયા, જાતે જાતે મીઠા ગમ દે ગયા’ મધુબાલા સાથે ભારત ભૂષણ પર ફિલ્માવવામાં આવ્યું છે. ‘કાગડો દહીંથરું લઈ ગયો’ કહેવતનું સ્મરણ થઈ આવે એવી આ જોડી ગીતમાં લાગે છે. મેળાના આ ગીતમાં મધુબાલાને જોઈ ‘કભી મેલે મેં અકેલા તો કભી અકેલે મેં મેલા’ કાનમાં ગુંજે છે મધુબાલાને કારણે. ‘ફાગુન’ ફિલ્મ જોશો તો કદાચ નહીં ગમે, ભારત ભૂષણ તો જરાય નહીં ગમે, પણ ગીતોમાં મધુબાલાએ પાથરેલી મોહિની તમારું દિલ કબ્જે કરી લેશે એ નક્કી.
દેવ આનંદ સાથેની ‘જાલી નોટ’માં રફી – આશાના એક યુગલ ગીત ‘દિલ હૈ આપકા હુઝૂર લિજીયે, ઈતના ગુરુર હુસ્ન પર તૌબા’ ની શરૂઆત મોહમ્મદ રફી કરે છે, પણ પછી કેમેરા પેન થઈ મધુબાલા પર આવે છે અને ‘શીશા દેખિએ હુઝૂર દિલ ના હમકો દીજિયે, આપણી શક્લ દેખકર તૌબા તૌબા કીજિયે’ પંક્તિઓ મધુબાલા ગાય છે અને હેન્ડસમ દેવ આનંદ મૂછમાં જરાય જચતા નથી, પણ મધુબાલાને જોઈ દિલ બાગ બાગ થઈ જાય છે.
(અહીં એક અપવાદ રૂપ, સચીનદાના સંગીતમાં પેશ થયેલું આવું જ મધુબાલા પર શૂટ થયેલું એક ગીત ‘કાલા પાની’નું છે. ‘અચ્છા જી મેં હારી …માન જાવ ના !’ ગીતમાં હીરો દેવ આનંદ રીસાઈ જાય છે ત્યારે હીરોઈન મધુબાલા એને જે રીતે મનાવે છે એ વખતનો મધુબાલાનો અભિનય-અદા ખરેખર લા-જવાબ છે) ઓ. પી. નય્યર અને મધુબાલાના સંગીતના જાદુના અન્ય ગીત સુધ્ધાં છે, પણ બધા સમાવી ન શકાય. આ ઝલક મધુબાલાની મોહિનીની સાક્ષી પૂરે છે.