લાવો, લવ સ્ટોરી લાવો… !

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
પ્રેમ એ શાશ્વત ભાવ છે. પ્રેમકથા – લવસ્ટોરી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી સફળ અને ટકાઉ રસાયણ છે. જોકે, છેલ્લાં પાંચ વર્ષની ફિલ્મો પર નજર નાખતા સાવ અલગ જ ચિત્ર નજર સામે આવી ઊભું રહે છે.
ગયા વર્ષની બોક્સ ઓફિસ પર સફળ થયેલી ટોપ ટેન ફિલ્મમાં એક જ લવ સ્ટોરીહતી ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા’અને એ નવમા નંબરે હતી. 2023માં પણ ટોપટેનમાં પણ એક જ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને એ પણ સાતમા નંબરે. 2022માં પણ ફરી એક જ. ‘રાધે શ્યામ’ – છઠ્ઠા નંબર પર. 2021માં પણ એક જ, ‘ચંદીગઢ કરે આશિકી’ – પાંચમો નંબર. 2021માં પણ એક જ, ‘લવ આજ કલ’ – સફળતામાં સાતમા ક્રમે.
એકંદરે આમ છેલ્લાં પાંચ વર્ષમાં ફિલ્મના સ્ક્રિન પર પ્રેમની પીછેહઠ થઈ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતા – દિગ્દર્શકો હવે દિલમાં કુછ કુછ હોતા હૈની જગ્યાએ દિમાગમાં કુછ કુછ હોતા હૈને પ્રાધાન્ય આપી હોરર કોમેડી અને હિંસા પ્રચુર એક્શન ફિલ્મોને પ્રાધાન્ય આપી રહ્યા છે એ હકીકત છે.
આ વર્ષની (2025)ની વાત કરીએ તો ટોપ બેનરની કે સારી સ્ટાર કાસ્ટ ધરાવતી જૂજ રોમેન્ટિક ફિલ્મ રિલીઝ થવાની ગણતરી છે. ટૂંકમાં પ્રેમ કરતાં પ્રેતમાં રસ વધુ જોવા મળી રહ્યો છે. બ્રિટિશ રેલવે અને ‘યશરાજ ફિલ્મ્સ’ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના30 વર્ષની અને ઈંગ્લેન્ડમાંની આધુનિક રેલવેના 200 વર્ષની સંયુક્ત પણે ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે વેલેન્ટાઈન- ડે નિમિત્તે લવ સ્ટોરીનો દુકાળ કેવી રીતે પૂરો થઈ શકે એનો વિચાર કરવો જરૂરી છે.
1931માં ’આલમ આરા’થી બોલપટ યુગનો પ્રારંભ થયો. એ હિસાબે એ જ વર્ષે રિલીઝ થયેલી જે. જે. મદાનની ‘શીરીં ફરહાદ’ ટેકનિકલી પહેલી લવસ્ટોરી કહેવાય. જોકે, 1947માં ભારતનેસ્વતંત્રતા મળ્યા પછી ફિલ્મ ઉદ્યોગનો વ્યવસ્થિત વિકાસ થયો. એ જોતા દિલીપ કુમાર – નૂર જહાંની ‘જુગનુ’ (મોહમ્મદ રફીને નામના અપાવનારું ‘યહાં બદલા વફા કા બેવફાઈકે સિવા ક્યા હૈ’ યાદ છેને ? ) પહેલી જાણીતી લવસ્ટોરી ધરાવતી ફિલ્મ કહેવી જોઈએ. આઝાદી પૂર્વે પૌરાણિક – સામાજિક ફિલ્મોને પ્રાધાન્ય મળતું હતું અને 1947 બાદ રોમેન્ટિક ફિલ્મોને વેગ મળવા લાગ્યો. 70 વર્ષ પહેલાં 1955 પછી લવસ્ટોરીની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી અને 1960માં 25થી વધુ લવસ્ટોરી ધરાવતી ફિલ્મોબની હોવાની સત્તાવાર નોંધ છે.
શું આજની તારીખમાં પ્રેક્ષકોની રુચિ લવસ્ટોરી માટે ઓછી થઈ ગઈ છે? એનો જવાબ ‘હા’ છે અને ‘ના’ પણ છે. ‘હા’ એટલા માટે કે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં કોવિડ – 19 મહામારી અને એને પગલે ઓટીટી પ્લેટફોર્મ ઉપલબ્ધ થવાથી લવસ્ટોરીના નિર્માણમાં ગજબનાક ઓટ આવી ગઈ.
આ દલીલ થોડી વિસ્તારપૂર્વક સમજવી જોઈએ. 1960ના દાયકામાં પ્રેમી યુગલની નિકટતા દર્શાવવા બે એક સરખા ફૂલ એકબીજા તરફ નમી એકમેકને સ્પર્શ કરતા હોય કે પછી ભમરો ફૂલ પર મંડરાતો હોય એના પર કેમેરા ફોકસ કરવામાં આવતો. 1970ના દાયકામાં ‘બોબી’માં હીરો- હીરોઈનનો કિસિંગ સીન દર્શકોએ જોયો. પછી તો બોલ્ડનેસ વધતી ગઈ અને 2023માં ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી સિરીઝમાં તો દાદીમા જ પૌત્રીને શિખામણ આપે છે કે ‘લગ્ન પહેલા સેક્સનો અનુભવ’ કરી લેવો જોઈએ…. વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ! અહીં કોઈ પણ પરિસ્થિતનું સમર્થન કરવાની વાત નથી, પણ ગર્લ ફ્રેન્ડના સહવાસ અંગેનું કુતૂહલ ખતમ થઈ ગયું છે. એટલે જ મુગ્ધતા દર્શાવતી લવસ્ટોરીવાળી ફિલ્મ માટે ઉત્સુકતા કે ઉત્કંઠા રહ્યા નહીં. આમ છતાં, લવસ્ટોરીવાળી ફિલ્મોના શટર સાવ ડાઉન ન થયા.
1990ના દાયકાની હિન્દી ફિલ્મોમાં યંગસ્ટર્સની પ્રેમકથામાં બદલાવ જોવા મળ્યો. ’દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે – ડીડીએલજે’ (1995)ના રાજ અને સિમરનમાં યુવા વર્ગને પોતાનું પ્રતિબિંબ દેખાયું. ‘હમ આપકે હૈં કૌન’, ‘રંગીલા’, ’કુછ કુછ હોતા હૈ’ વગેરેમાં મજેદાર મ્યુઝિક સાથે મોડર્ન લવસ્ટોરી હતી અથવા મોડર્ન સેટઅપ હતું. આ ફિલ્મોને આવકાર મળ્યો. એકવીસમી સદીમાં ફરહાન અખ્તરની ‘દિલ ચાહતા હૈ’ (2001)થી લવસ્ટોરીની માવજતમાં બદલાવ જોવા મળ્યો. ‘સાથિયા’, ‘કલ હો ના હો’, ‘વીર ઝારા’ જેવી ફિલ્મોમાં યુગલ પ્રેમીઓએકબીજાને સ્નેહ કરતા હોવા છતાં ‘તેરે બિના ભી ક્યા જીના’ ફિલોસોફીમાં નથી માનતા. ‘ટુ ગેધર બટ ઈન્ડિપેન્ડન્ટ’ (સહવાસ ખરો, પણ સ્વાતંત્ર્ય સુધ્ધાં ખરું)ની ફિલોસોફીને અપનાવી રહેતા આર્થિક અને બૌદ્ધિક રીતે વધુ સમૃદ્ધ યંગસ્ટર્સને આ પ્રકારની ફિલ્મો પોતીકી લાગી.
‘લવસ્ટોરી માટે ફિલ્મ રસિયાઓમાં આકર્ષણ ઓછું થઈ ગયું છે’ એ દલીલ સ્વીકારતા પહેલાં ગયા વર્ષની રિ- રિલીઝ ફિલ્મો પર એક નજર નાખવી જરૂરી છે. 2024માં અનેક હિન્દી ફિલ્મ રિ- રિલીઝ થઈ એમાંથી ‘યે જવાની હૈ દીવાની’, ‘સનમ તેરી કસમ’, ‘લૈલા મજનુ’,‘વીર ઝારા’, ‘રેહના હૈ તેરે દિલ મેં’ રી રિલીઝમાં સારી કમાણી કરી શકી હતી અને આ બધી લવ સ્ટોરી છે. સમજદાર કો ઈશારા કાફી હૈ એ કહેવત હિન્દી ફિલ્મ મેકરો જાણતા જ હશે.
ટૂંકમાં પ્રેત (હોરર કોમેડી) માટેના લગાવમાં ભલે મોટી ભરતી આવી,પણ પ્રેમ પર પડદો નથી પડી ગયો. આ સદીના પ્રારંભમાં જેમ ફરહાન અખ્તર ‘નવું લાવ્યો’ એમ આ સદીના પચીસમા વર્ષમાં લવસ્ટોરીમાં નવું રસાયણ ઉમેરવાની જરૂર છે. અલબત્ત, એનું એક સેમ્પલ ‘તેરી બાતોંમેં ઐસા ઉલઝા જીયા’ ફિલ્મ હતી. શાહિદ કપૂર અને ક્રિતી સેનનની પ્રેમકથામાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નું નવું તત્ત્વજોવા મળ્યું. ફિલ્મ બ્લોકબસ્ટર નહોતી, પણ હિટ જરૂર હતી. ‘સ્ત્રી 2’, ‘ભૂલભૂલૈયા 3’, ‘શૈતાન’, ‘ફાઈટર’ અને ‘સિંઘમ અગેન’ વચ્ચે આ લવસ્ટોરી ખોવાઈ ન ગઈ એ જ એક સિદ્ધિ છે. પ્રેમની ભાવના શાશ્વત છે અને દર્શકો એવી ફિલ્મો જોવા આવશે જ, શરત એટલી જ છે કે નવી ટ્રીટમેન્ટ આપો. એક્શનમાં જેમ સિદ્ધાર્થ આનંદ ખીલ્યો, હોરર કોમેડીમાં અમર કૌશિક ઊગી નીકળ્યો એમ લવસ્ટોરી માટે યશ ચોપડાનો વારસો મોડર્ન રીતે ચલાવી શકે એવા આદિત્ય ચોપડા ઉપરાંત અન્ય ફિલ્મ મેકરની પણ જરૂર છે. પ્રેમની જેમ આશા અમર છે!