નેશનલ

વક્ફ સુધારા બિલના જેપીસી અહેવાલ પર સંસદમાં ભારે હંગામો, ખડગેએ અહેવાલને ખોટો ગણાવ્યો

નવી દિલ્હી : સંસદના બંને ગૃહોમાં ગુરુવારે વક્ફ (સુધારા) બિલ- 2024(Waqf Amendment Bill)પર જેપીસીના અહેવાલ પર ભારે હંગામો જોવા મળ્યો હતો. જેમાં બંને ગૃહમાં એનડીએ અને વિપક્ષના સાંસદો આમને સામને આવ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે રાજયસભામાં ઉગ્ર થઈને આ અહેવાલને ખોટા ગણાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે અમારા વિચારોને કચડી નાખવા યોગ્ય નથી. આ લોકશાહી વિરોધી છે અમે આવા અહેવાલને સ્વીકારીશું નહિ. આ અહેવાલ સંયુક્ત સંસદીય સમિતિ ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: રાજ્યસભામાં રજૂ થયો વક્ફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ, વિપક્ષે કર્યો હોબાળો

અમિત શાહે સાંસદોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો

આ દરમિયાન લોકસભામાં વિપક્ષી સાંસદોના વિરોધને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરોધ કરી રહેલા સાંસદોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે કહ્યું કે જો અસંમતિ નોંધ ઉમેરવામાં આવે તો સરકારને કોઈ વાંધો નથી. અમિત શાહે કહ્યું કે કેટલાક વિપક્ષી સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને વિવાદોને સંપૂર્ણપણે સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે જો વિપક્ષી સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવાદોનો સમાવેશ કરવામાં આવે તો મારી પાર્ટીને તેની સામે કોઈ વાંધો નથી.

વિપક્ષ આવા ખોટા અહેવાલોને સ્વીકારશે નહીં

જ્યારે રાજ્યસભામાં બિલ પરનો અહેવાલ રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને ગૃહ દ્વારા તેને સ્વીકારવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પર ચર્ચા દરમિયાન વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષ આવા ખોટા અહેવાલોને સ્વીકારશે નહીં જે અમારા વિચારોને કચડી નાખે છે. કોંગ્રેસ અધ્યક્ષે માંગ કરી કે આ રિપોર્ટ સંયુક્ત સંસદીય સમિતિને પાછો મોકલવામાં આવે અને ફરીથી રજૂ કરવામાં આવે.

વિપક્ષી સભ્યો બિનજરૂરી મુદ્દો ઉભા કરી રહ્યા છે

જયારે ખડગેના દાવાઓને રદિયો આપતા, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અસંમતિ નોંધો અહેવાલ સાથે જોડાયેલ છે અને વિપક્ષ પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે વિપક્ષી સભ્યો બિનજરૂરી મુદ્દો ઉભા કરી રહ્યા છે. વિપક્ષ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે કેટલાક લોકો ભારતીય રાજ્ય સામે લડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button