Mahakumbh: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લગાવી આસ્થાની ડૂબકી; સતુઆ બાબાના પણ કર્યા દર્શન
![](/wp-content/uploads/2025/02/Minister-of-Home-Affairs-Harsh-Sanghvi-took-bath-in-Mahakumbh-2-780x470.webp)
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. આ ત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
![](/wp-content/uploads/2025/02/Minister-of-Home-Affairs-Harsh-Sanghvi-took-bath-in-Mahakumbh-1-1024x683.webp)
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લીધી હતી. તેમણે ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સત્તુઆ બાબા સેવા શિબિરની મુલાકાત લીધી હતી. તેમણે શ્રીમદ્ જગતગુરુ વિષ્ણુ સ્વામી સંતોષદાસજી મહારાજ “સત્તુઆ બાબા” ના આશીર્વાદ મેળવ્યા હતા. સત્તુઆ બાબાના પ્રસાદ ભંડારામાંથી દરરોજ ઘણા ભક્તો પ્રસાદ મેળવે છે. આ ઉપરાંત તેમણે જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અનંતશ્રી વિભૂષિત પૂજ્યપદ શ્રી સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે પણ લીધી મુલાકાત
મહાકુંભમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના નેતા, સેલિબ્રિટી, ઉદ્યોગપતિ સહિત મોટી હસ્તીઓએ પવિત્ર સ્નાન કર્યું છે. થોડા દિવસ પૂર્વે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા કર્યું હતું. તેમણે બડે હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા.
કોણે કોણે કર્યું પવિત્ર સ્નાન
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની, મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, શ્રીપદ નાઈક, બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદી, રાજ્યસભાના સભ્ય સુધા મૂર્તિ સહિત ઘણા લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે.