ગોરેગામથી પાંચ વર્ષના બાળકનું અપહરણ: 24 કલાકમાં આરોપી કલ્યાણમાં પકડાયો
![Goregaon Child Kidnapping Accused Caught in 24 Hours](/wp-content/uploads/2025/02/Goregaon-Child-Kidnapping-Accused-Caught-in-24-Hours.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામથી પાંચ વર્ષના બાળકનું કથિત અપહરણ કરનારા આરોપીને પોલીસે 24 કલાકમાં જ કલ્યાણ ખાતેથી પકડી પાડી તેની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યો હતો.
બોરીવલી રેલવે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કરણ કનોજિયા ઉર્ફે સનોજકુમાર (24) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગોરેગામમાં ત્રણ બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: 36ની ધરપકડ
પોલીસ ફરિયાદ અનુસાર ગોરેગામમાં રેલવે બ્રિજ નીચે રહેતી મીનાક્ષી ગુપ્તા (30)ના પાંચ વર્ષના પુત્ર શ્યામ ગુપ્તાનું મંગળવારની રાતે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી કનોજિયા મીનાક્ષીના પતિને ઓળખતો હતો. ઘટનાની રાતે તે વાતચીત કરવા આવ્યા પછી શ્યામને પોતાની સાથે લઈ ગયો હતો.
ખાસ્સો સમય વીત્યા છતાં કનોજિયા પાછો ન ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. કનોજિયાની કોઈ ભાળ ન મળતાં આખરે મીનાક્ષીએ બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)માં ફરિયાદ કરી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈ જીઆરપીના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાજી ખુપેરકરની ટીમે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ગોરેગામમાં 1.15 કરોડનું હેરોઇન જપ્ત: બે ડ્રગ પેડલરની ધરપકડ…
ઈન્સ્પેક્ટર સતીશ શિંદે (ક્રાઈમ)એ ટીમ સાથે ગોરેગામ સ્ટેશને લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં આરોપી દાદર જતી ટ્રેનમાં બાળક સાથે ગયો હોવાનું નજરે પડ્યું હતું. કહેવાય છે કે વધુ સીસીટીવીનાં ફૂટેજ જોતાં આરોપી કલ્યાણ ગયો હોવાની માહિતી મળી હતી.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે કલ્યાણમાં છટકું ગોઠવ્યું હતું. બુધવારની રાતે આરોપી કલ્યાણમાં હાથ લાગ્યો હતો. તેની સાથેના બાળકને છોડાવી વડીલોને સોંપાયો હતો. આરોપીને બોરીવલી લાવી પૂછપરછ કરવામાં આવી હતી. બાળકનું અપહરણ શા માટે કર્યું હતું તે અંગે આરોપીએ કોઈ ચોખવટ કરી નથી, એમ અધિકારીનું કહેવું છે.