Cyber Crime: પોલીસે બોગસ આધાર કાર્ડના આધારે ફ્રોડ કરતી રાજસ્થાની ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી
અમદાવાદ : ગુજરાતમાં બોગસ આધાર કાર્ડના આધારે નાણાકીય છેતરપિંડી(Cyber Crime)કરતી રાજસ્થાની ગેંગની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે મળેલી ફરિયાદના આધારે તપાસ કરીને આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી છે. જેમાં આ આરોપીઓ બોગસ આધારકાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરતા હતા. જેની બાદ સાયબર ક્રાઇમ અમદાવાદની અલગ અલગ ટીમોએ રાજસ્થાનના જોધપુર અને જેસલમેરમાં દરોડા પાડી આ ગેંગના સભ્યોને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો: સુરતમાં બોગસ દસ્તાવેજો સાથે બાંગ્લાદેશી યુવક ઝડપાયો, દોઢ વર્ષથી સુરતની ઝૂપડપટ્ટીમાં રહેતો
40 જેટલા બેંક એકાઉન્ટની કીટ અને કાર્ડ મળી આવ્યા
આ આરોપીઓ આધારકાર્ડમાં રહેણાંક એડ્રેસ બદલી બેન્ક એકાઉન્ટ ખોલાવી ચાઈનીઝ આરોપીઓને તમામ વિગતો મોકલતા હતા. આ અટકાયત કરાયેલ આરોપીઓ પાસેથી 40 જેટલા બેંક એકાઉન્ટની કીટ અને કાર્ડ મળી આવ્યા હતા. ઉપરાંત પ્રતિબંધિત એક પિસ્ટલ અને કારતુસ પણ મળી આવ્યા. પોલીસે પિસ્ટલ અને કારતૂસ જપ્ત કરી છે. તેમજ બોગસ આધાર કૌંભાડમાં સામેલ ચાઈનીઝ આરોપીઓની શોધવા પણ પોલીસે તપાસ હાથ ધરી.
આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ
સાયબર ક્રાઈમમાં અનેક વખત નકલી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજોના દુરુપયોગ થયાની ફરિયાદ સામે આવી છે. ત્યારે હવે સાયબર ક્રાઈમે બોગસ આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલવાના કૌભાંડમાં રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. તેમજ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતુ હતું તેનું પગેરું શોધવાનો પ્રયાસ કરવામાં આવશે.