Happy Birthday: બી ગ્રેડની ફિલ્મોથી શરૂઆત, રસ્તામાં રઝળી આ ગુજરાતી તારીકા

ઘણા અભિનેતાઓના સંઘર્ષની કથા આપણને ખબર છે. આજનો સમય હોય કે આજથી 15-20 વર્ષ પહેલાનો, સ્ત્રી અને પુરુષના સંઘર્ષમાં ઘણો ફરક હોય છે. એક અભિનેત્રી માટે રસ્તે રઝળવું કે કારમાં સૂતું રહેવું સહેલું નથી.
આજની બર્થ ડે સેલિબ્રિટીએ આ કર્યું છે અને તે પણ કરિયરની શરૂઆતમાં નહીં, પરંતુ કરિયરની પિક પર પહોંચી અને પછી નીચે પટકાઈ છે, પણ થાકી કે હારી નથી, એક મજબૂત ગુજરાતણની જેમ તેણે પડકારોને ઝીલ્યા અને આજે પાછી સ્ક્રીન પર રંગ વિખેરતી થઈ ગઈ છે. આ અભિનેત્રીનું નામ છે રશ્મિ દેસાઈ.
આજે રશ્મિ તેનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. નાની ઉંમરે રશ્મિએ ભોજપુરી બી ગ્રેડની ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી. 16 વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો અનુભવ પણ થયો. ભોજપુરી ફિલ્મો કરતી કરતી તે ટેલિવિઝન સુધી પહોંચી.
આપણ વાંચો: વધુ એક અભિનેત્રીએ સંગમમાં કર્યું સ્નાન, વીડિયો શેર કરી કુંભની ઝલક બતાવી…
ઉતરણ નામની ટીવી સિરિયલમાં તપસ્યાનું પાત્ર કરી તેણે નામ દામ બન્ને કમાયા. મોટા ઘરની ચડેલી દીકરી તપસ્યાના કેરેક્ટરમાં તેણે ચાર ચાંદ લગાવી દીધા હતા. આ દરમિયાન રીલ લાઈફના પતિ પ્રીતેશ નાંદીને રિયલ લાઈફનો પતિ પણ બનાવ્યો, પણ એકસાથે બે મસીબતો આવી, લગ્નજીવનમાં ભંગાણ પડ્યું ને સિરિયલ ઘણી લાંબી ચાલ્યા બાદ અચાનક બંધ થઈ ગઈ.
આ એ સમય હતો જ્યારે રશ્મિના માથે ત્રણેક કરોડનનું દેવું હતું. રશ્મિએ પોતે લીધેલું ઘર છોડવું પડ્યું અને ચાર દિવસ રસ્તે ભટકી. પોતાની કારમાં સૂતી રહી અને રિક્ષા-ટેક્સીવાળા જે લારી પર જમવાનું જમે તે જમ્યું. ફરી સંઘર્ષ શરૂ થયો, પણ પાછી જીવનની ગાડી પાટા પર ચડી. ટીવી સિરિયલો કરી અને તાજેતરમાં તેની પહેલી ગુજરાતી ફિલ્મ પણ રિલિઝ થઈ.
હવે રશ્મિએ પાછો ફ્લેટ લીધો, કાર લીધી અને એક અહેવાલ અનુસાર તેની નેટ વર્થ લગભગ 10થી 11 કરોડ છે.
રશ્મિને જન્મદિવસની શુભકામના…