રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પર સાયરનથી વિવાદ, આરટીઓએ નોટિસ ફટકારી

રાજકોટ : ગુજરાતના રાજકોટના( Rajkot)મેયરની સાયરન લાગેલી ગાડી મહાકુંભમાં લઇ જવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સર્જાયો છે. જેમાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના સરકારી વાહનમાં સાયરન લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ડો. ઉત્પલ જોશીને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આરટીઓ અધિકારીએ આ મામલે કુલપતિને નોટિસ ફટકારી છે.

આરટીઓ અધિકારીએ કુલપતિને નોટિસ ફટકારી

જેમાં આરટીઓના નિયમ સિવાય કટોકટીની પરિસ્થિતિઓ સિવાય અને કોઈપણ નિયુક્ત અધિકારી દ્વારા સાયરન લગાવી શકાતી નથી. તેથી આરટીઓ અધિકારીએ હવે કુલપતિને નોટિસ ફટકારી છે. તેની બાદ સાયરન દૂર કરવાને બદલે જ્યારે કુલપતિએ દલીલ કરી કે અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ સાયરનવાળા વાહનોનો ઉપયોગ કરે છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની કાર પર પણ સાયરન જોવા મળ્યું

આ દરમિયાન અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની કાર પર પણ સાયરન જોવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાની કાર પર સાયરન જોવા મળ્યું છે. જેમાં એક ખાનગી ટીવી ચેનલનો
કેમેરો જોતા ડ્રાયવર કાર લઈને પલાયન થયો હતો.

રાજકોટના મેયરનો ગાડીના ઉપયોગનો વિવાદ

જ્યારે આ ઉપરાંત હાલમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા મહાકુંભમાં ભાગ લેવા માટે તેમના સત્તાવાર વાહનમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા તેવા ફોટા વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. જોકે, ભાજપ શાસિત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષે તેમનો બચાવ કરતા કહ્યું કે તેમણે વાહનનો ઉપયોગ કરવા માટે જરૂરી પરવાનગી લીધી હતી.

કોંગ્રેસે આ મુદ્દા પર ભાજપ પર નિશાન સાધ્યું

નયનાબેન પેઢડિયા ગત અઠવાડિયે તેમના પતિ અને કેટલાક ભાજપના નેતાઓ અને કાઉન્સિલરો સાથે મહાકુંભમાં ગયા હતા. પ્રયાગરાજમાં સ્નાન પછી ભીના કપડાં લટકાવવા માટે મેયરના સત્તાવાર વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેની બાદ કોંગ્રેસે આ મુદ્દા પર ભાજપ પર નિશાન સાધ્યું હતું.

આ વાહનો પર લગાવી શકાય છે સાયરન

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 ના નિયમ 119(3) મુજબ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી સેવાના વાહનો અને પરિવહન વિભાગના અધિકારીઓના વાહનોને હૂટર અને સાયરનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button