વલસાડમાં IT વિભાગની સૌથી મોટી રેડ, 16 ટીમો કરી રહી છે તપાસ
![](/wp-content/uploads/2023/09/Income-tax.jpg)
સુરતઃ માર્ચ મહિનો નજીક આવતાં જ રાજ્યમાં આઈટી વિભાગ સક્રિય થયું છે. વલસાડમાં આઈટીની 16 ટીમો દ્વારા બિલ્ડર્સ, આર્કિટેક્ટ અને વકીલને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાની આ સૌથી મોટી આઈટી રેડ હોવાની કહેવાય છે. થોડા સમય પહેલા જ એક ઝવેરીના અલગ-અલગ શો રૂમ પર ITની ટીમે દરોડા પાડતા અન્ય જ્વેલર્સમાં ફફડાટ જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ દેવ ગ્રુપ પર ત્રાટક્યું હતું ઈન્કમ ટેક્સ
હાલ ઇન્કમટેક્સ વિભાગ રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા પાડી રહી છે. મોટા શહેરોમાં મોટા વેપારીઓ, ઝવેરીઓ અને ખાસ કરીને બિલ્ડર્સને ત્યાં દરોડા પાડી મોટા બેનામી વ્યવહારો અને રોકડ જપ્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ દેવ ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીઠાના કારોબાર સાથે સંકળાયેલા દેવ ગ્રુપના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયા સહિતના કુલ 20 સ્થળો પર દરોડા પાડી શંકાસ્પદ હિસાબી દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા હતા.
Also read: વલસાડ નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતાં રેલ સેવાને અસર
દેવ ગ્રુપ પર દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા અને રૂ. 150 કરોડની કરચોરી પકડાઈ હતી. ઈન્કમેટક્સ વિભાગ દ્વારા રૂ. 3.5 કરોડની રોકડ અને અઢી કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા 16 બેંક લોકર સીઝ કરાયા હતા.ઈન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ.150 કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી. દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લિક્વિડ બ્રોમાઈન કોન્સન્ટ્રેટનું ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરવામાં આવ્યું હોવાના જંગી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. આ ગ્રુપ દ્વારા ચોપડે દર્શાવ્યા વિના નાણાં, રીઅલ એસ્ટેટ તથા હોસ્પિટાલિટીના ધંધામાં ટ્રાન્સફર કરતાં હોવાની મળેલી બાતમીના પગલે ઇન્કમટેક્ષ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.