ભારતના બ્રહ્મોસ્ત્ર મિસાઇલ ખરીદવા દેશોની લાગી કતાર

તાજેતરમાં એરોઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરવામાં આવેલા ભારતના ગૌરવ સમા બ્રહ્મોસ મિસાઈલની માંગ દુનિયાભરમાં વધી રહી છે. ભારતના આ મિસાઇલ તેની ક્ષમતાઓ માટે જાણીતા છે. તે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવ્યા છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, જેની રેન્જ વધારે છે. હાલમાં તેના વિવિધ વર્ઝન વિકાસ હેઠળ છે. બ્રહ્મોસ મિસાઈલ ધ્વનિની ગતિ કરતાં ત્રણ ગણી વધુ ઝડપે મુસાફરી કરતા એકમાત્ર સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે.
વિશ્વના ઘણા દેશો ભારતમાં બનેલા બ્રહ્મોસ મિસાઈલના ચાહક અને ગ્રાહક બની ગયા છે. તો કેટલાક દેશોએ મિસાઈલનો ઓર્ડર પણ આપી દીધો છે. હવે એવા અહેવાલો છે કે વધુ ચાર દેશોએ આ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ મેળવવા માટે રસ દાખવ્યો છે. જોકે, આ બધી બાબતો સંવેદનશીલ હોવાથી ભારત સરકાર કે ભારતના સૈન્ય દળ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી. ભારતે ગયા વર્ષે જ ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલ પૂરા પાડ્યા હતા.
Also read: INS વિક્રાંતની તાકાત વધી, MR-SAM મિસાઇલ કરાયા તેનાત, ચીલ ઝડપે દુશ્મન પર હુમલો કરવા સજ્જ
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ભારત હવે બ્રહ્મોસને વધુ ચાર દેશોને વેચવાની યોજના ધરાવે છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા ઇજિપ્ત અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ પહેલા ભારતે આ સુપરસોનિક મિસાઈલો ફિલિપાઇન્સને વેચ્યા છે. તે જ સમયે ઇન્ડોનેશિયા સાથે આ મિસાઇલના સોદાઓ અંગે પણ વાટાઘાટો ચાલુ છે અને એમ માનવામાં આવે છે કે ઈન્ડોનેશિયાથી એક પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં ભારત આવશે અને બ્રહ્મોસ મિસાઇલ ખરીદીના કરાર પર મહોર મારશે. હકીકતમાં જ્યારે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ભૈાગ લીધો ત્યારે જ એવું માનવામાં આવતું હતું કે બ્રહ્મોસ મિસાઇલ સોદા અંગે બંને દેશોની વાતચીત વેગ પકડશે.