માંગરોળમાં કૉંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા 200 કાર્યકર્તા સાથે ભાજપમાં થયા સામેલ
![RSS holds brainstorming session with BJP and allies in Mumbai](/wp-content/uploads/2025/01/RSS-holds-brainstorming-session-with-BJP-and-allies-in-Mumbai.webp)
જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (gujarat local body election) હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જૂનાગઢના માંગરોળમાં આ ચૂંટણી પહેલાં કૉંગ્રેસને (congress) મોટો ફટકો લાગ્યો હતો. કૉંગ્રેસમાં મોટું નામ ધરાવતા વિરેન્દ્ર મકવાણા ભાજપમાં સામેલ થયા હતા. તેમની સાથે 200 કાર્યકર્તા પણ ભાજપમાં (BJP) જોડાયા હતા.
કૉંગ્રેસના ચૂંટણી નિરીક્ષકે શું કહ્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જૂનાગઢના કાળવા ચોક ખાતે કૉંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કૉંગ્રેસ ચૂંટણી નિરીક્ષક પુંજાભાઈ વંશે પોલીસ અને વહીવટી તંત્રને આકરી ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ભાજપની ચાપલુસી કરવામાં કે એજન્ટ તરીકે કામ કરવામાં રસ હોય તો, તેઓ વર્દી ઉતારીને રાજીનામું આપી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુંડાગીરી પોલીસની ભાગીદારી વિના શક્ય નથી. તેમણે પોલીસ તંત્રને ચેતવણી આપતા કહ્યું કે ભૂતકાળમાં ઘણા લોકો જેલમાં ગયા છે અને વર્દીના પટ્ટા ઉતરતા વાર નથી લાગતી, તેથી આ બાબત ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ.
Also read: ભયાનક રોગ ‘કાવાસાકી;ની જૂનાગઢમાં ‘એન્ટ્રી’
પૂરજોશમાં ચાલી રહ્યું છે પ્રચાર કાર્ય
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરાશે.ચૂંટણીને લઈ હાલ ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ત્રણેય પક્ષના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.