ઇંગ્લૅન્ડના બૅટર્સનો ધબડકો ચાલુ હતો ત્યારે આ હતાશ ફાસ્ટ બોલરને ઊંઘ આવી ગઈ!
!["Jofra Archer looking dejected as England suffers a batting collapse in Ahmedabad Test match."](/wp-content/uploads/2025/02/jofra-archer-england-collapse-ahmedabad.webp)
અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ભારત સામેની ત્રીજી અને છેલ્લી વન-ડે દરમ્યાન ઇંગ્લૅન્ડની બૅટિંગમાં ધબડકો ચાલુ હતો ત્યારે તેમનો ફાસ્ટ બોલર જોફરા આર્ચર ડગઆઉટમાં ઊંઘી ગયેલો જોવા મળ્યો હતો. જૉસ બટલરની ટીમ પહેલી બે વન-ડે હારી ચૂકી હતી એટલે આ ત્રીજી મૅચ જીતવાનો તેમના પર ખૂબ બોજ હતો. જોકે ભારતે બૅટિંગ મળ્યા બાદ મોટો જુમલો નોંધાવવાનો કોઈ મોકો નહોતો છોડ્યો અને ભારતના એક પછી એક બૅટરે સારું પર્ફોર્મ કરીને ટીમ ઇન્ડિયાને 50 ઓવરમાં 356 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. વાઇસ કેપ્ટન, મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ શુભમન ગિલનું આ મૅચના વિજયમાં 112 રનનું સૌથી મોટું યોગદાન હતું. શ્રેયસ ઐયરે 78 રન, વિરાટ કોહલીએ બાવન રન અને કે.એલ. રાહુલે 40 રન બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડની ટીમ માટે 357 રનનો લક્ષ્યાંક ખૂબ મુશ્કેલ હતો. તેઓ 214 રનમાં આઉટ થઈ ગયા હતા અને ભારતનો 142 રનથી વિજય થયો. રોહિતસેનાએ 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. પચીસમી ઓવરમાં જ્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટે 154 રન હતો ત્યારે કૅમેરા ઇંગ્લૅન્ડની ટીમના ડગઆઉટ પર તાકવામાં આવ્યો ત્યારે જોફરા આર્ચર ઊંઘી રહેલો જોવા મળ્યો હતો.
Also read: ભારતના સાત બોલરના આક્રમણ સામે ઇંગ્લૅન્ડના 165/9
આ સ્ટાર ફાસ્ટ બોલરને સિરીઝની પહેલી વન-ડેમાં રમવા મળ્યું હતું, પરંતુ ત્યાર પછીની બે મૅચમાં તેને ઇલેવનની બહાર રાખવામાં આવ્યો હતો. આ શ્રેણી અગાઉ પાંચ મૅચની ટી-20 સિરીઝની તમામ મૅચોમાં આર્ચરને રમાડવામાં આવ્યો હતો અને એમાં તેણે કુલ છ વિકેટ લીધી હતી. જોકે એ શ્રેણીમાં તેનો ઇકોનોમી-રેટ ખૂબ ઊંચો (10.40) હતો જેને પગલે ઇંગ્લૅન્ડનો સિરીઝમાં 1-4થી પરાજય થયો હતો. આઈપીએલ આગામી 21મી માર્ચે શરૂ થશે અને રાજસ્થાન રોયલ્સે જોફરા આર્ચરને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને આટલી મોટી રકમ મળવાની હોવાથી તેણે આ વખતની સીઝનમાં ખૂબ જ સારું પર્ફોર્મ કરી બતાવવું પડશે.