ટિકિટ વિના પ્રવાસ કરતાં પ્રવાસીને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યોઃ યુવક ગંભીર રીતે ઘાયલ

વલસાડઃ દરેક રેલવે સ્ટેશનથી એવા સેંકડો પ્રવાસીઓ વર્ષેદહાડે પકડાય છે. રેલવે દંડપેટે કરોડો રૂપિયા વસૂલે પણ છે. લોકોએ ટિકિટ વિના કોઈપણ જાહેર પરિવહનમાં પ્રવાસ કરવો જોઈએ નહીં તે વાત ખરી, પરંતુ વલસાડમાં રેલવે ટિકિટ ચેકરે આ મામલે પ્રવાસી સાથે જે વર્તન કર્યું તે પણ સ્વીકાર્ય નથી. ગુજરાતના વલસાડમાં ટિકિટ ન લેવાની દલીલ ઉગ્ર બનતા ટીસીએ પ્રવાસીને ટ્રેનમાંથી ધક્કો મારવાની ઘટના બની છે, જેમાં યુવાન ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વાપીના રામનગર ખાતે રહેતાં સંદીપ (ઉ.વ.2૦ તેનાં મિત્ર અજય ભિલાડ ખાતે કામે ગયા હતા. દરમિયાન સમાન ખૂટતા તેઓ સમાન લેવાં માટે મંગળવારે 11મી ફેબ્રુઆરીએ મુંબઈ સેન્ટ્રલ- વલસાડ લોકલ ટ્રેનમાં ભિલાડ સ્ટેશનથી વાપી આવવાં માટે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રેન આવી જતા ટિકિટ લીધાં વગર જ ટ્રેનમાં ચઢી ગયા હતાં. આ દરમિયાન ટિકિટ ચેકર તપાસ માટે આવતાં તેની સાથે રકઝક ચાલી હતી.
Also read: IRCTCની વેબસાઇટ થઇ ઠપ્પ! ટ્રેનની ટિકિટ બુક કરવામાં સમસ્યા
યુવાનોનાં કહેવાં મુજબ તેઓએ ટિકિટના પૈસા આપી દેવાં માટે જણાવ્યું હતું. પરંતુ ટી.સી.એ બંને પાસેથી એક-એક હજાર રૂપિયા માંગ્યા હતા, તેઓ પાસે માત્ર રૂ. 500 જ હોય ભિલાડથી વાપીના આટલાં બધા રૂપિયા કેવી રીતે થાય, તે મામલે ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ બંને યુવાનોએ તેમના શેઠ સાથે મોબાઇલ પર વાત કરાવી હતી. પરંતુ ટી.સી. નહીં માનતા ઝગડો વધ્યો અને ટીસીએ વાપીનાં બલીઠા ફાટક પાસે સંદીપને ચાલુ ટ્રેને જ ધક્કો મારી દેતાં તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. આ ઘટનાએ ભારે ઉહાપોહ જગાવ્યો અને ચેન પુલિંગ કરી ટ્રેનને રોકવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ બોલાવી તેને વલસાડ હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ ઘટના રેલવે પોલીસે નોંધી છે અને તપાસ હાથ ધરી છે.