લાડકી

ખરી ખુશીનો સાચો પરિચય ક્યારે થાય?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી 

સોળ વર્ષની માયા પોતાના બિલ્ડિંગના રુફટોપ પર ઊભી હતી. સામે આથમતા સૂર્યને એકીટશે જોઈ રહેલી માયા આકાશમાં વિખરાયેલા સાંજના રંગોમાં ખોવાતી ચાલી. સરસરાતી ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે એણે પોતાની આંખો બંધ કરી. ઊંડો શ્વાસ લીધો. બસ, આજ તો હતી હેપ્પીનેસ- ખુશી- આનંદ જેને એ શોધી રહી હતી. એના મનમાં પાછલાં વર્ષોની રીલ્સ સડસડાટ ફરવા લાગી.

સમજણી થઈ ત્યારથી માયા માટે ખુશી એટલે કંઈક એચીવ કરવું. કંઈક જીતી લેવું. પરીક્ષામાં પહેલો નંબર આવે તો જ આનંદ મળે. કોઈ સ્પર્ધા જીતો પછી મજા આવે. સોશ્યલ મીડિયા પર, સ્કૂલ કે ક્લાસમાં પોપ્યુલર હોય એ જ વ્યક્તિઓ જાણે સાચી ખુશીના હક્કદાર. એટલે માયા માટે રાજી થવું એ એક ટાસ્ક બની રહેતું. રાજીપો એણે કેળવવો પડતો ને ખુશીઓની કમાણી કરવી પડતી. નાનપણથી જ કોમ્પિટેટીવ નેચર એટલે કે, સ્પર્ધાત્મક સ્વભાવ ધરાવતી માયાના આવા સ્વભાવ પર પેરેન્ટ્સ ગર્વ અનુભવતા. ‘એમ, અમારી દીકરી લડ્યા વગર તો હાર માને જ નહી’. એવું બોલતા એના મમ્મી-પપ્પાને ખ્યાલ નહોતો કે તરુણાવસ્થા આવતાં માયાનો આવો સ્વભાવ જાત માટે મુશ્કેલીઓ નોતરી લાવશે.

સતત જીત માટે જીવતી માયાના જીવનમાં ધ્યેય સિદ્ધ કર્યા વિના ખુશીનું કોઈ અસ્તિતવ નથી. એને પરીક્ષામાં એક માર્ક્સ ઓછો આવે તો એનો વસવસો બીજા નવ્વાણુંના આનંદ પર હાવી થઈ જતો. સ્પોર્ટ્સમાં ભાગ લે તો ગોલ્ડ મેડલ સિવાય કંઈ ખપે નહીં. શાળાની ઈત્તર પ્રવૃત્તિઓમાં પોતે આગળ હોવી જોઈએ. ઘરમાં નાના ભાઈ કરતાં પોતાને વધુ મહત્ત્વ મળવું જોઈએ. મિત્રો પણ ગ્રુપમાં એને આગળ રાખવા જોઈએ. ટૂંકમાં પોતે પ્રથમ ના હોય એ સંજોગોમાં માયાબેન દુ:ખી થઈ જતી કે એની અંદરની ખુશીઓ જાગે નહીં.

ધીમે-ધીમે મોટી થઈ રહેલી માયા એવું માનતી કે એ જેટલી વધુ મહેનત કરશે એટલી વધુ ખુશીઓ એના ભાગે આવશે. આના કારણે, એ જાત પાસે રીતસર ઢસરડો કરાવવા લાગેલી. સતત વાંચવુ, પ્રેકટિસ કરવી અને જીતવા માટે જીવવું. નજીકના લોકોને પ્રતિસ્પર્ધી તરીકે જોવાની આદતે એને ક્યારે અળખામણી ને એકલી પાડી દીધી એનો ખ્યાલ ના રહ્યો….

મિત્રો હવે એનાથી થોડાં દૂર રહેવા લાગ્યા. નાના ભાઈએ એને વળગવાનું બંધ કરી દીધું.  આસપાસમાં લોકો એની સાથે બહુ હળતા-મળતાં નહીં. નાનપણમાં એના સ્પર્ધાત્મક સ્વભાવને પ્રોત્સાહન આપતા પેરેન્ટ્સ પણ માયા એ જે ખુશીની ખોટી વ્યાખ્યા મનમાં બેસાડી દીધેલી એને હવે બહાર કાઢી શકે એમ નહોતા એટલે ઠપકો આપતા રહેતા.

અંતે એવું થયું કે એની જીત કે ખુશીઓ સાથે લોકોને બહુ લેવાદેવા રહી નહીં. થોડા સમય તો આ વાત પર માયાએ બિલ્કુલ ધ્યાન ના આપ્યું, પણ માણસ એ સામાજિક પ્રાણી છે એવું અમસ્તુ તો નહીં કહેવાયું હોય. પોતાની ખુશીઓ જો વહેંચવા ના મળે તો એનો કોઈ અર્થ સરતો નથી. માયાને આ હકીકતનો અહેસાસ થવા લાગ્યો. હવે એની સફળતા પર ઓવારી જનારા ઓછા હતા ને એકલા એકલા રાજી રહેવામાં માયાને મજા નહોતી આવતી.

એક દિવસ ઉદાસ ચહેરે સ્કૂલથી પાછા ફરતાં એની નજર ગેટ પાસે રમી રહેલા એના નાના ભાઈ પર પડી. માયાએ પહેલીવાર એને સામેથી બૂમ પાડી બોલાવ્યો. એ સાંભળી નાના ભાઈનો માસૂમ ચહેરો ખીલી ઉઠ્યો. એ દોડતોક આવીને માયાને વળગી પડ્યો. એના નાના-નાના હાથ માયાની કમર ફરતે વીંટળાય ગયા.‘દીદી, i missed you today’ એના આવા શબ્દો અને નિર્દોષ લાગણીઓની હૂંફમાં માયાનું હૃદય ભરાય આવ્યું ત્યારે જે મનમાં રાજીપો થયો એ કુદરતી હતો, જેના માટે માયાએ મહેનત નહોતી કરવી પડી. આજ સુધી આવી ક્ષણોને ઓળખવામાં માયા અસમર્થ હતી, પણ આજે એટલું ચોક્કસ મનમાં ઊભરી આવ્યું કે, સતત સ્પર્ધામાં ઊતર્યા સિવાય પણ જીવનમાં ખુશી મેળવી શકાય છે ખરી !. દરેક વખતે જીત મેળવવી જરૂરી નથી. ક્યારેક આવી કુદરતી ક્ષણ પણ મનને આનંદથી ભરી દે છે.

ધીમે-ધીમે મિત્રો સાથે પસાર કરાતો સમય, પોતાના ગમતા વિષયોની વાતો, વાંચન, ભાઈ-બહેન સાથે કરાતી ધીંગા-મસ્તી, મમ્મી-પપ્પાના લાડ જેવી સાવ નગણ્ય ક્ષણોની પણ એને કિંમત સમજાવા લાગી. વરસાદ પડે કે સૂર્ય આથમે, પક્ષીઓના અવાજ આવે કે પતંગિયા નજર સામે નાચે આ બધામાં છૂપો આનંદ સમાયેલો છે,  જે પોતાને કોઈ મેડલ કે ટ્રોફી જીતવાથી ક્યારેય નથી મળવાનો એ સમજાય ગયું.

દરેક વખતે કોઈ અસાધારણ વાત જ આનંદ આપે એવું નથી હોતું. ક્યારેક સાવ સામાન્ય પ્રસંગો જીવનમાં રાજીપો ઊભો કરી દેતા હોય છે. જીવનની સાચી મજા જિંદગીનો જાદુ માણવામાં છે….. એવું વિચારતી માયાએ આંખો ખોલી ક્ષિતિજ તરફ નજર કરી. આકાશમાં થોડું અંધારુ ઊતરી આવેલું. સાંજ વધુ ઘેરી બની ગયેલી. એણે પોતાનો ફોન કાઢી સરસ ફોટો લીધો. આજે સોશ્યલ મીડિયા માટે નહીં, પરંતુ જાતને યાદ કરાવવા કે હેપ્પીનેસ કોઈ ડેસ્ટિનેશન નથી…આનંદ કોઈ આખરી મંજિલ નથી… ખુશીઓ જીવનની એવી ક્ષણોમાં છુપાયેલી છે જે કુદરતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button