આપણું ગુજરાત

વોર્ડ ઓફિસરને થપ્પડ મારવી પડી મોંઘી, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરને કોર્ટ ફટકારી 6 મહિના જેલ સજા

વડોદરાઃ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર (Ex deputy mayor vadodara) યોગેશ પટેલને (yogesh patel) 2014ના એક મામલામાં છ મહિનાની જેલની સજા કોર્ટે ફટકારી હતી. દબાણ હટાવો અભિયાન દરમિયાન તેમણે તત્કાલિન વોર્ડ ઓફિસરને થપ્પડ મારી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ ઘટના બની હતી. તેમની પર વોર્ડ ઓફિસર (ward officer) સાથે મારપીટ, ઈજા પહોંચાડવાનો તથા ફરજમાં રૂકાવટનો આરોપ હતો. કોર્ટે આ મામલે 16 સાક્ષીઓના નિવેદન લીધા હતા. 22 દસ્તાવેજી પુરાવા પણ લેવામાં આવ્યા હતા. કોર્ટે તેમને સજાની સાથે 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

શું છે સમગ્ર મામલો

2014 માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન ડેપ્યુટી મેયર અને ભાજપ નેતા યોગેશ પટેલે કારેલીબાગ વિસ્તારમાં દબાણ વિરોધી અભિયાન દરમિયાન તત્કાલીન વોર્ડ ઓફિસર જગમલ નંદાનિયાને લાફો માર્યો હતો. પટેલે નંદાનિયા દ્વારા જપ્ત કરવામાં આવેલી લારીઓને છોડી મૂકવાની માંગ કરી હતી. જેનો નંદાનિયાએ ઈન્કાર કરતાં તેમને લાફો મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ નંદાનિયાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું કે, તેમણે પટેલની વાત નહીં માનતાં તેમને લાફો મારવામાં આવ્યો હતો. તેઓ લારીઓ છોડી મુકવા દબાણ કરતા હતા.

Also read: મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા

અરજીકર્તા તરફથી વકીલે કોર્ટમાં કહ્યું કે, તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના કારણે પટેલની ઈચ્છા ઉદાહરણ બેસાડવાની હતી અને તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી કે, ફરિયાદી જગમલ નંદાનિયા સ્થળ પર હાજર નહોતા. જોકે કોર્ટે અરજીકર્તા પક્ષની દલીલો માન્ય રાખી હતી અને પટેલને દોષિ જાહેર કર્યા હતા.

કોર્ટે આપ્યો મોટો મેસેજ

કોર્ટે આ ફેંસલો આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આકરો સંદેશ આપ્યો હતો. જે દર્શાવે છે કે કાયદાથી કોઈ ઉપર નથી, પછી ભલે તે ગમે તેટલા મોટા પદ પર કેમ ન હોય. આ કેસમાં પટેલને થયેલી સજા તેમના કૃત્યની ગંભીરતા દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button