વેપાર

લીડ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની તમામ ધાતુઓમાં પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે લંડન મેટલ એક્સચેન્જના નિરુત્સાહી અહેવાલે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતા અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૩ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પ્રોપર્ટી માર્કેટમાં પ્રવર્તી રહેલી મંદીની ચિંતા યથાવત્ રહેવાની સાથે કોપર સહિતની ધાતુઓના સ્ટોકમાં વધારો થવાથી આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપરનાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૬ ટકા ઘટીને ટનદીઠ ૭૯૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવ બે ટકા, નિકલના ભાવ એક ટકા, એલ્યુમિનિયમના ભાવ ૦.૬ ટકા અને લીડના ભાવ ૦.૩ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

આમ એકંદરે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૩ ઘટીને રૂ. ૨૨૦૦, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૧૫૯૦, કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૯૧, રૂ. ૪૯૩, રૂ. ૪૬૦ અને રૂ. ૨૧૯ અને કોપર આર્મિચર, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૬૭૨, રૂ. ૭૧૪ અને રૂ. ૨૦૬ અને કોપર સ્ક્રેપ હેવી તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૬૮૩ અને રૂ. ૧૬૮ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૪૦ અને રૂ. ૧૮૯ના મથાળે ટકેલા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button