!["PM Narendra Modi engaging with Tulsi Gabbard during his US visit, captured live at an official event."](/wp-content/uploads/2025/02/pm-modi-us-visit-tulsi-gabbard-live.webp)
વોશિંગ્ટન ડીસી: ફ્રાન્સમાં આયોજીત AI સમિટમાં ભાગ લીધા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસના બે દિવસના પ્રવાસે (PM Modi on USA visist) પહોંચ્યા છે, તેઓ સ્થાનિક સમય મુજબ બુધવારે સાંજે વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પહોંચ્યા હતાં. આ દરમિયાન અમેરિકામાં વસતા ભારતીયો તેમના સ્વગાત માટે ઉમટી પડ્યા હતાં, વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, અમેરિકા પહોંચીને વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીએ X પર લખ્યું, ‘શિયાળાની ઠંડી વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત! ઠંડી હોવા છતાં, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા મારું ખૂબ જ ખાસ સ્વાગત કરવામાં આવ્યું, હું લોકોનો આભાર માનું છું.’
વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર સ્વાગતની તસવીરો શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, ‘હું થોડા સમય પહેલા વોશિંગ્ટન ડીસી પહોંચ્યો છું. હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું. બંને દેશો તેમના લોકોના કલ્યાણ અને વિશ્વના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતા રહેશે.”
Also read: Paris AI Summit: વડાપ્રધાન મોદી સુંદર પિચાઈ અને Scale AIના CEOને મળ્યા, આ મુદ્દે થઇ ચર્ચા
મોદી-ટ્રમ્પની બેઠક:
વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે આ ઉપરાંત ઉદ્યોગપતિ એલોન મસ્કને પણ મળશે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન મોદી પહેલી વાર તેમને રૂબરૂ મળશે. આ બંને નેતાઓની બેઠક ખુબ ખાસ રહેશે. ખાસ કરીને અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોના મુદ્દે શું ચર્ચા થશે તેના પર સૌની નજર છે.