વેપાર

સોનામાં ₹ ૧૬૨નો સુધારો, ચાંદી ₹ ૩૩ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આગામી ગુરુવારના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સત્રના આરંભે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૧થી ૧૬૨નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૧ વધીને રૂ. ૫૯,૦૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૬૨ વધીને રૂ. ૫૯,૨૮૩ના મથાળે રહ્યા હતા. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવ કિલોદીઠ રૂ. ૩૩ ઘટાડા સાથે રૂ. ૭૦,૮૪૬ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે મોડી સાંજે અમેરિકાના રિટેલ વેચાણ અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોમાં તણાવને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯૨૩.૭૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૯૩૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, રોકાણકારોની નજર આગામી ગુરુવારનાં રોજ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતાં વેપાર પાંખાં રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે અમેરિકાના આર્થિક ડેટા પ્રોત્સાહક આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ પહેલી નવેમ્બરે સમાપન થતી બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરતાં કેપિટલ માર્કેટ ડૉટ કોમના ફાઈનાન્સિયલ માર્કેટનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં સલામતી માટેની માગનો છૂટોછવાયો ટેકો મળતો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button