શેર બજાર

બાઉન્સ બેક: વૈશ્ર્વિક બજારના સુધારા સાથે બેન્ચમાર્ક ત્રણ દિવસ બાદ પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

મુંબઇ: વિશ્ર્વબજારમાંથી સારા સંકેત મળતા સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ સત્ર બાદ પોઝિટીવ જોનમાં પાછાં ફરવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૨૬૧.૧૬ પોઈન્ટ વધીને ૬૬,૪૨૮ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ૭૯.૭૫ પોઈન્ટ વધીને ૧૯,૮૧૧ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી માટે આગેકૂચ માટે ૧૯,૮૦૦ની ઉપર મક્કમ ગતિએ આગળ વધવું આનિવાર્ય છે. વૈશ્ર્વિક બજારોમાં રિકવરી ઉપરાંત સારી ત્રિમાસિક કમાણીને આધારે એચડીએફસી બેન્કમાં લેવાલી નીકળતા બજારના સેન્ટિમેન્ટને ટેકો મળવાથી ત્રણ દિવસના ઘટાડા પછી મંગળવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં બાઉન્સ બેક જોવા મળ્યું હતું. બીએસઇનો ત્રીસ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૬૧.૧૬ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૬૬,૪૨૮.૦૯ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે. દિવસ દરમિયાન તે ૩૯૨.૮૯ પોઈન્ટ અથવા ૦.૫૯ ટકા વધીને ૬૬,૫૫૯.૮૨ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. એ જ રીતે, એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૭૯.૭૫ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકા વધીને ૧૯,૮૧૧.૫૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બૅન્ક, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, આઇટીસી, ભારતી એરટેલ, નેસ્લે, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ અને એચડીએફસી બૅન્ક ટોપ ગેઇનર્સ બન્યા હતા. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૬,૮૧૧ કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યા બાદ એચડીએફસી બેન્કના શેરમાં લગભગ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. પેરેન્ટ કંપની એચડીએફસી સાથે મર્જ થયા પછીની આ તેની પ્રથમ ત્રિમાસિક કમાણીની જાહેરાત છે. મંગલમ વર્લ્ડવાઇડ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના પૂર્વાર્ધના સમયગાળા માટે અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૪૨.૫૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૪૦૧.૫૬ કરોડની કુલ આવક નોંધાવી છે. એબિટા ૧૯૪.૮૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૭.૩૦ કરોડ અને એબિટા માર્જિન ૨૨૩ બેસિસ પોઇન્ટના વધારા સાથે ૪.૩૧ ટકા નોંધાયું છે. કંપનીએ રૂ. ૭.૫૧ કરોડનો કરવેરા પછીનો નફો નોંધાવ્યો છે, જે ૨૬.૬૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. આ ગુજરાતમાં સ્થિત કંપની એક સંપૂર્ણ સંકલિત સ્ટેનલેસ સ્ટીલ મિલ છે, જે સ્ક્રેપ મેલ્ટિંગથી માંડીને સીમલેસ પાઈપો અને ટ્યુબનું ઉત્પાદન કરે છે ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, જેએસડબલ્યુ સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. ચેન્નાઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ અને જર્મન વોટર પાર્ટનરશિપે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ, પરમાણુ સલામતી અને ગ્રાહક સુરક્ષા માટેના જર્મનીના ફેડરલ મંત્રાલય દ્વારા સમર્થિત આબોહવા સંરક્ષણ માટેની આ પહેલ છે. ભારતમાં સ્થાનિક પરિસ્થિતિઓ હેઠળ હાલના ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાન્ટના અપગ્રેડ માટે એક વૈચારિક ડિઝાઇન વિકસાવવા જર્મનીની ટેકનોલોજી અને ટ્રેનીંગ અપાશે. મારુતિના બોર્ડે જાપાનીઝ પેરેન્ટ કંપની સુઝુકી મોટર્સ કોર્પોરેશન પાસેથી સુઝુકી મોટર્સ ગુજરાતનો ૧૦૦ ટકા હિસ્સો હસ્તગત કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વેસ્ટ મેનેજમેન્ટને રિસોર્સ મેનેજમેન્ટનું સ્વરૂપ આપવાની નમે ધરાવતી રી સસ્ટેનેબિલિટી લિમિડેટે દેવનારમાં ૫૧૦ કરોડના રોકાણ સાથે વેસ્ટ મેનેજમન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેની ક્ષમતા ૬૦૦ ટનની છે અને તે છ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. મુંબઇનો આ પહેલો પ્લાન્ટ છે, દિલ્હી અને હૈદરાબાદમાં ૨૪થી ૪૮ મેગાવોટના પ્લાન્ટ કાર્યરત છે. કંપનીને ૧૫ વર્ષનો કોન્ટ્રાક્ટમળ્યો છે અને તે ૧૧ દેશમાં હાજરી ધરાવે છે. બીજા ક્વાર્ટરના સારા પરિણામને પગલે સિઓટના શેરમાં ૧૧ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં બંધ થયાં હતાં. ઉપલબ્ધ અહેવાલ અનુસાર યુરોપિયન શેરબજારો ખૂલતા સત્રમાં ગ્રીન ઝોનમાં રહ્યા હતા. અમેરિકૃન શેરબજાર સોમવારે તેજી સાથે બંધ થયા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૮ ટકા વધીને ૯૦.૦૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઇરાને પણ ઇઝરાયલને ધમકી આપી હોવા ઉપરાંત ગાઝા પર ઇઝરાયલ સપાટો બોલાવી રહ્યું છે ત્યારે, લેબનોન સરહદેથી પણ વોર ચાલુ થઇ ગઇ હોવાના અહેવાલો છે. આને કારણે ક્રૂડ ઓઇલમાં ફરી ઉછાળો આવશે તો એફઆઇઆઇની વેચવાલી તીવ્ર બનશે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂ. ૫૯૩.૬૬ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button