સ્પોર્ટસ

શૉકિંગઃ રિષભ પંતનો જીવ બચાવનાર યુવાને ઝેર પી લીધું, આત્મહત્યાના સંયુક્ત પ્રયાસમાં ગર્લફ્રેન્ડનું મૃત્યુ

નવી દિલ્હીઃ ડિસેમ્બર, 2022માં દિલ્હી-દેહરાદૂન હાઈવે પર (રુડકી નજીક) ગમખ્વાર કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત પાસે દોડી જઈને તેનો જીવ બચાવનાર રજતકુમાર નામના યુવાને ગર્લફ્રેન્ડ સાથે ઝેર પી લીધું ત્યાર બાદ ગર્લફ્રેન્ડનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે આ યુવાનને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

2022માં પંતનો અકસ્માત થયો ત્યારે રજતકુમાર અને નિશુ કુમાર નામના બીજા એક માણસે પંતને અકસ્માતના સ્થળે વધુ મુશ્કેલીમાં જતા રોક્યો હતો. તેમણે પંતને બળી રહેલી તેની મર્સિડિઝ કારમાંથી બહાર કાઢ્યો હતો તેને વહેલાસર સારવાર અપાવવામાં મદદ કરી હતી.

રિષભ પંતે બન્ને યુવાનને ટૂ-વ્હીલર ભેટ આપ્યા હતા.
પચીસ વર્ષીય રજતકુમાર અને તેની પ્રેમિકાની ટ્રૅજેડી ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર જિલ્લાના બુચ્ચા બસ્તી ગામમાં બની હતી. રજત અને તેની પ્રેમિકા અલગ સમુદાયના હતા. તેમની વચ્ચે પાંચ વર્ષથી રિલેશનશિપ હતી અને તેઓ લગ્ન કરવા માગતા હતા, પરંતુ બન્નેના પરિવાર તરફથી વિરોધ થતાં તેઓ મૂંઝવણમાં અને હતાશ હતા.

છોકરીની મમ્મીએ રજત સામે આક્ષેપ કર્યો છે કે તેણે તેમની દીકરીનો જાન લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button