અલાહાબાદિયાની ટિપ્પણીનો વિવાદ ,તન્મય ભટ્ટ, ઉર્ફી જાવેદ અને દીપક કલાલને સાયબર પોલીસના સમન્સ
![Ranvir Allahabadia apologises after controversial comment on parents](/wp-content/uploads/2025/02/Ranveer-Allahabadia.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકપ્રિય યુટ્યૂબર સમય રાઈનાના શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં માતા-પિતાને ઉદ્દેશીને બીભત્સ પ્રશ્ર્ન કરવાના મુદ્દે થયેલા વિવાદ બાદ એફઆઈઆર નોંધનારી મહારાષ્ટ્ર સાયબર પોલીસે કોમેડિયન તન્મય ભટ્ટ, અભિનેત્રી રાખી સાવંત, સોશિયલ મીડિયા સેલિબ્રિટી દીપક કલાલ, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને વિવાદને કારણે સતત ઈન્ટરનેટ પર છવાયેલી રહેતી ઉર્ફી જાવેદ સહિત અન્યોને સમન્સ મોકલાવ્યા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટમાં ભાગ લઈ ચૂકેલી સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યા હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. જેમને સમન્સ મોકલાયા છે તેમાં શોમાં જજ તરીકે ભાગ લેનારા યુટ્યૂબર્સ, કોમેડિયન્સ અને ઈન્ફ્લુએન્સર્સનો પણ સમાવેશ થાય છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
કોમેડિયન્સ અમિત ટંડન. નીતિ પલતા, મહીપ સિંહ, આશિષ સોલંકી, વિપુલ ગોયલ, નિશાંત તન્વર, સોનાલી ઠક્કર, ભારતી સિંહ, હર્ષ લિંબચિયા, પૂનમ પાંડે સહિતની જાણીતી વ્યક્તિઓ રાઈનાના શોમાં આવી ચૂકી છે.
આ પણ વાંચો : રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
રાઈનાના આ કોમેડી શોમાં જાણીતા પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ સ્પર્ધકને વડીલોને મુદ્દે બીભત્સ પ્રશ્ર્ન કર્યો હતો, જેને પગલે વિવાદ થયો હતો. વિરોધનો વંટોળ ઊઠતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ એપિસોડની વાયરલ ક્લિપને પગલે ખાર પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ગુનો નોંધતાં પહેલાં ખાર પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી હતી.
જોકે અલાહાબાદિયાની ટિપ્પણીને પગલે વિવાદ વકરતાં મહારાષ્ટ્ર સાયબર પોલીસે મંગળવારે અલાહાબાદિયા, ક્ધટેન્ટ ક્રિયેટર આશિષ ચંચલાની, ઈન્ફ્લુએન્સર અપૂર્વા મખિજા, શો ક્રિયેટર (સમય રાઈના) સહિત અન્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો. આ મામલે પોલીસે ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની કલમ 67 તેમ જ ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 196, 296, 299 અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે કલાકાર, હોસ્ટ, જજ, સ્પર્ધક, આયોજક સહિત 30 જણ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.