જયપુરમાં સ્ટેડિયમ નજીકના બે બિલ્ડિંગની અગાશી પરથી પણ પ્રેક્ષકો જોઈ શકશે આઈપીએલની મૅચ, ટિકિટો વેચાશે
![Spectators will be able to watch IPL matches from the terraces of two buildings near the stadium in Jaipur, tickets will be sold](/wp-content/uploads/2025/02/jaipur-stadium.webp)
જયપુરઃ આગામી 21મી માર્ચે શરૂ થનારી આઇપીએલની વર્ષ 2025ની સીઝનમાં જયપુરમાં રમાનારી મૅચો એ સ્ટેડિયમની નજીકની (આશરે 50 મીટર દૂરની) બે ઇમારતની અગાશી પરથી પણ પ્રેક્ષકો જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (એસએમએસ)માં સ્પર્ધા દરમ્યાન મૅચો રમાશે. રાજસ્થાન રૉયલ્સની ટીમ આ સ્થળની યજમાન ટીમ કહેવાશે અને સંજુ સૅમસન એ ટીમનું નેતૃત્વ સંભાળશે. ટીમના બીજા મુખ્ય ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ, શિમરૉન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, નીતીશ રાણા, વનિન્દુ હસરંગા, વૈભવ સૂર્યવંશી, જોફ્રા આર્ચર, ફઝલહક ફારુકી, તુષાર દેશપાંડે, આકાશ મઢવાલ, માહીશ થીકશાન વગેરેનો સમાવેશ છે.
જયપુરના એસએમએસમાં રાજસ્થાની થીમ પર મૅચોનું આયોજન કરાશે. ખાસ કરીને સંપૂર્ણ સ્ટેડિયમ પ્લાસ્ટિક-મુક્ત રાખવામાં આવશે.
આ પણ વાંચો : રોહિત અને બુમરાહ સાથે આઇપીએલમાં રમવાથી ઘણું શીખવા મળશેઃ રિકેલ્ટન
સ્ટેડિયમની અંદર અને બહાર બાંધવામાં આવેલા રાજસ્થાન ક્રિકેટ ઍકેડેમીના તેમ જ ક્રીડા ભવનના બિલ્ડિંગની અગાશી પર રખાનારી સીટ માટેની ટિકિટો આપવામાં આવશે એવું એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું.
કહેવાય છે કે જયપુરના સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા 50,000થી વધારી શકાય એમ નથી એટલે બને એટલા બીજા વધુ પ્રેક્ષકોને સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.