હવે ઊંઝાના મસાલાને દેશભરમાં જતા કોઈ નહીં રોકી શકેઃ રેલવે આપી રહ્યું છે આ સુવિધા
![Railways making news terminal in Gujarat's Unza](/wp-content/uploads/2025/02/Railways-making-news-terminal-in-Gujarats-Unza.jpg)
અમદાવાદઃ રેલવેની માળખાકીય સુવિધાઓ માત્ર લોકોની અવર-જવર માટે જ નથી, પરંતુ માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ રેલવેનો બહુ મોટા ફાળો છે. આવી જ એક ખાસ સુવિધા હવે રેલવે જીરુ અને ઈસબગુલ સહિતની પેદાશો માટે જાણીતા ઊંઝાને આપવા જઈ રહ્યું છે. ઊંઝામા ઘણું જ વિશાળ એપીએમસી આવેલું છે, ઊંઝા તાલુકો વિવિધ પ્રકારના મસાલા અને કૃષિ ઉત્પાદન જેમ કે જીરું, વરિયાળી, ધાણા, સરસવ, મેથી, ઇસબગુલ, રાઈ વગેરેના વેપાર માટે પ્રખ્યાત છે. પરંતુ મહામહેનતે આ પાક ઊભો કરતા ખેડૂતોના માલને વહન કરવાનો પ્રશ્ન મોટો હતો. અત્યાર સુધી અહીંના ખેડૂતો તેમનો માલ ગુજરાતની બહાર મોકલી શકવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
આ પણ વાંચો: શું તમે જાણો છો..રેલવે સિનિયર સિટિઝન્સને મફતમાં આપે છે આ સુવિધાઓ!
આનું એક માત્ર કારણ જરૂરી પરિવહન સેવાનો અભાવ, પરંતુ હવે અહીંના ખેડૂતો અને વેપારીઓ રાહતનો શ્વાસ લઈ શકે છે કારણ કે રેલવે તેમને આપી રહી છે ખાસ સુવિધા.
શું છે રેલવેની યોજના
રેલવે અહીં એક નવું રેલ ટર્મિનલ બનાવી રહ્યું છે જે કન્ટેનર ના માધ્યમ થી માલસામાનની હેરફેરની સુવિધા આપશે. અત્યાર સુધી ઊંઝાની આજુબાજુ કોઈ પણ કન્ટેનર રેલ ટર્મિનલ નથી, જેના કારણે મોટાભાગનો માલ સડક માર્ગે વહન થતો હતો. આ પ્રદેશ ઉત્તરીય વિસ્તારો માટે મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવે તેવી શક્યતા છે. આ વિકાસ માત્ર ઊંઝાના ખેડૂતો માટે જ ફાયદાકારક નથી, પરંતુ અમદાવાદ ડિવિઝન અને સમગ્ર ભારતીય રેલવે માટે પણ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. રેલવે પણ આ રીતે કમાણીનો નવો દરવાજો ખોલી રહી છે.
આથી હવે ઊંઝાના જીરુંના વઘારની મહેંક દેશભરમાં પહોંચશે.