નેશનલ

દુબઈથી આવેલો મહાદેવ ઍપનો સૂત્રધાર ઍરપોર્ટ પર ઝડપાયો

મુંબઈ: દુબઈથી મુંબઈ આવેલા મહાદેવ બુક બૅટિંગ ઍપના ડિરેક્ટર મૃગાંક મિશ્રાને ઍરપોર્ટ પરથી તાબામાં લેવાયો હતો. દુબઈથી ઍપનું કથિત સંચાલન કરનારા મિશ્રા સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) બહાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીને રાજસ્થાન પોલીસના તાબામાં સોંપાયો હતો અને તેની જાણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને પણ કરવામાં આવી હતી. પકડાયેલો મિશ્રા મહાદેવ ઍપના મુખ્ય આરોપીઓમાંનો એક હોવાનું કહેવાય છે. ૯૦ બોગસ બૅન્ક ખાતાં ખોલાવવાનો તેના
પર આરોપ છે. આ બૅન્ક ખાતાંમાં બે હજાર કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

મધ્ય પ્રદેશના રતલામનો રહેવાસી મિશ્રા છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં હતો અને ત્યાંથી તે જ અન્ય આરોપીઓની મદદથી મહાદેવ ઍપ ચલાવતો હતો, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
બોગસ નામે બૅન્ક ખાતું ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા પ્રકરણે આરોપી વિરુદ્ધ રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હતો. આ પ્રકરણે રાજસ્થાન પોલીસે તેની સામે એલઓસી જારી કર્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ શનિવારે રાતે દુબઈથી મુંબઈ આવેલા મિશ્રાને એલઓસીને આધારે જ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી સિક્યોરિટી ઑફિસરોએ તાબામાં લીધો હતો. બાદમાં તેને સહાર પોલીસને સોંપાયો હતો. રવિવારે મુંબઈ પહોંચેલી રાજસ્થાનની પ્રતાપગઢ પોલીસે મિશ્રાની ધરપકડ કરી હતી.
મહાદેવ ઍપ પ્રકરણની ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. મિશ્રા ઍરપોર્ટ પરથી પકડાયાની માહિતી ઈડીને આપવામાં આવી હતી. ઈડીની તપાસમાં મિશ્રાનું નામ સામે આવ્યું હોવાથી ઈડી પણ તેની કસ્ટડી લે તેવી શક્યતા છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ મિશ્રા ૨૧ ઑક્ટોબર સુધી રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં છે. એ કેસમાં અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા પછી મિશ્રાને તાબામાં લેવા ઈડી કાર્યવાહી કરશે.
ઈડીએ મેસર્સ મહાદેવ ઑનલાઈન બુક બેટિંગ ઍપ સંબંધિત પ્રકરણમાં કોલકતા, ભોપાલ અને મુંબઈમાં ૩૯ સ્થળે દરોડા પાડ્યા હતા. આ પ્રકરણે અંદાજે ૪૧૭ કરોડ રૂપિયાની મતા સીલ અથવા જપ્ત કરવામાં આવી હતી.

ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી હુમા કુરેશી, શ્રદ્ધા કપૂર સહિત ૧૨થી વધુ ફિલ્મસ્ટારો, પ્લૅયર્સ આ ઍપની જાહેરાત સાથે સંકળાયેલા હતા. આ પ્રકરણે રણબીર કપૂર, હુમા કુરેશી, શ્રદ્ધા કપૂરને ઈડીએ સમન્સ પણ મોકલાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button