આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન

મહેસાણાઃ અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ હતા. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79 પુરુષો હતો. આ તમામ લોકો ડંકી રુટ મારફતે અમેરિકા પહોંચ્યા હતા.

33 ગુજરાતીઓને મોકલવામાં આવ્યા પરત, સૌથી વધુ મહેસાણાના

અમેરિકાથી પરત ફરેલા ભારતીય નાગરિકોમાં સૌથી વધુ લોકો પંજાબ અને ગુજરાતના હતા. આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોનો પણ હતા અમેરિકાથી પરત આવેલા લોકોમાં 33 ગુજરાતના, 30 પંજાબના હતા. જ્યારે બે-બે ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના હતા અને ત્રણ મહારાષ્ટ્રના હતા. ગુજરાતના નાગરિકોમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન આજે મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ અને ભારતીયોને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

Also Read: ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનારા એજન્ટો રડાર પર, પણ પીડીતો એફઆઇઆર નોંધાવતા નથી

શું કહ્યું મુખ્ય પ્રધાને

અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવેલા ગુજરાતીઓ અને ભારતીયોને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે. આપણે ગમે ત્યાં બહાર ફરતા હોય તો ઘર-ગામ યાદ આવે સાથે સાથે વિદેશ કરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે. આપણા દેશમાં આનંદ સામે કોઈ પૈસાની પણ તુલના ન હોય,ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે તેવો આનંદ બીજે ક્યાંય આવતો નથી. આજે ગામમાં પણ તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે,ગામમાં હવે કોઈ સમસ્યા રહી નથી. આમ અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પ્રથમ વખત નિવેદન આપ્યું હતું.

આ દરમિયાન અમેરિકાના અધિકારીઓ દ્વારા 487 વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશ પ્રધાને અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે વિદેશ પ્રધાને ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે, જોકે ડિપોર્ટ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button