ભરવાડ સમાજના ઐતિહાસિક લગ્ન એક નજર…
તસવીરની આરપાર -ભાટી એન.
ગુજરાતમાં લકઝુરિયસ લગ્નમાં લખલૂટ ખર્ચ કરી સમાજમાં દેખાડો કરી રૂપિયાની બરબાદી કરે છે…!?. સાવ સાચી વાત છે…!. આજે અમુક જગ્યાએ હજુ ભભકાદાર લગ્ન જોવા મળે જ છે. તો સમાજમાં ગરીબ, મધ્યમ લોકોને જાકમજાળ લગ્ન પોસાય તેમ નથી તેને માટે સમાજ શ્રેષ્ઠીઓ આગળ આવી સમૂહ લગ્નની હિમાયત કરે છે, તો હવે દરેક જ્ઞાતિ પોતાની જ્ઞાતિ પૂરતા મર્યાદિત સમૂહ લગ્ન કરે જ છે, આ પહેલની જ્યોત એટલી પ્રગટી છે કે હવે તો નાનામાં નાની જ્ઞાતિ પણ જબરજસ્ત એકતા કરી એક્સ્ટ્રાઓર્ડિનરી લગ્ન કરી સમાજની દીકરીને પોતાની દીકરી ગણી ઉદાર હાથે ફાળો આપી અસંખ્ય વસ્તુઓ કરિયાવરમાં આપે છે અને આખા ઘરનું રાસ રચીલું આપે છે, સોના, ચાંદીનાં ઘરેણાં પણ આપે છે, આથી ગરીબ, મધ્યમ વર્ગ સમૂહ લગ્ન તરફ વળ્યા છે, તેના કારણે સમાજની એકતા વધે છે અને મેળાવડો થાય છે, તેમાં ભરવાડ (ગોપાલક) સમાજ પણ સમૂહ લગ્ન કરે છે, તેના કલરફુલ લગ્ન જોવા જેવા હોય છે તેનો પહેરવેશ કલરફૂલ હોય છે
વરરાજા પાઘડી, ચોયણી, કેડિયું, બંડી, ભરત ભરેલ તલવાર હોય ને પગમાં મોજડી હોય, તો ક્ધયા પણ મેકઅપ કરાવી મંડપ મધ્યે આવે છે…!!. સરસ કપડાં પહેરેલાં હોય પણ હજુ ભરવાડ સમાજમાં લાજ કાઢી લગ્ન કરે છે તે કુરિવાજ દૂર કરવા આશીર્વાદ લેવા માટે આવે ને સરકાર પાસેથી 25 હજારનું કુંવર બાઈનું મામેરું લેવાનું હોય તેમાં ખુલા મોઢે ફોટા પાડવા પૂરતી લાજ ખુલ્લી કરી ફોટા પાડે છે, ને સમૂહ તસવીર બહુ કલરફૂલ જોવા મળે તેમાં ટ્રેડિશન ડ્રેસનો ચાર્મ નિહાળવા મળે છે, અને ભરવાડ સમાજ હુડો રાસ રમવાના શોખીન હોવાથી લગ્ન મંડપની બાજુમાં રાસોત્સવ રાખે છે, નામી ગાયક કલાકારને બોલાવી ને ઢોલ, સંગીતનાં તાલે હુડો રાસ રમતી બહેનો, ભાઈઓની મોજ ઔર હોય છે…!. હાથની થાપીઓ સામ સામી આપે ને તેનો અવાજ દિલમાં આનંદની ઊર્મિઓ જન્મે છે, એક હરોળમાં ઊભા રહી હુડો રાસ રમાય છે. આવો અનેરો અવસર મોરબી જિલ્લાનાં વાંકાનેર ખાતે મચ્છુ માતાજીનાં આંગણે તારીખ 07/02/2025 નાં ગોપાલક સમાજની 58 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ,આ 14 માં ગોપાલક સમાજનાં સમૂહ લગ્નમાં ગુર્જર વસુંધરાની લોક સંસ્કૃતિની ઝાંખી જોવા મળેલ. આજે હું આપને ભરવાડ (ગોપાલક)સમાજનો આછેરો ઇતિહાસ આપું.
હાથમાં ડાંગ લઇ ગાયોના ધણને હંકારતા, ટોળામાંથી આઘા પાછા થતાં વાછરડાઓને લલકારતા તથા ડાંગ વડે તેમને એકબાજુ કરી વારતા, એવા સીમ સીમાડાઓની વાટે ઉપરથી પસાર થતાં ભરવાડોને કોણે નહીં જોયા હોય ? અથવા વહેલી સવારમાં ઉનના દોરડાવાળી કાવડમાં આજુબાજુ દુધના બોઘડાં ટાંગી નજીકના શહેરોની હોટલોમાં દૂધ વેચવા જતા ભરવાડો કોણે નહીં જોયા હોય? જોકે ઘણાએ તેઓને જોયા તો હશે પરંતુ ગુજરાતમાં બહારથી અનેક જાતિઓ આવી. આવનાર જાતિઓ અહીં સ્થિર રહી. એટલું જ નહી, પણ સ્થાનિક સાથે ભળી જવાની પ્રક્રિયા પણ જોરદાર થઇ હોય એમ જણાય છે.
આજે આપણે જેમને ભરવાડ નામથી સંબોધીએ છે તે પ્રકારનું નામ પ્રાચીનકાળમાં ક્યાંય જડતું નથી. પ્રાચીનકાળમાં ચાર વર્ણો હતા.પોતપોતાના ગુણકર્મ પ્રમાણે જુદી-જુદી જાતિઓ વર્ણ વ્યવસ્થામાં ગોઠવાઇ જતી. ખેતી અને ગોપાલન કરનારી વૈશ્યજાતિઓમાં ‘આભીર’નામની વૈશ્ય પ્રજા અપભ્રંશ ભાષા બોલતી. ‘ભરવાડો’ એટલે પશુ સાથે ભ્રમણ કરીને આજીવિકા મેળવનાર અથવા પશુપાલનનો વ્યવસાય કરતી કોમ, વ્યવસાયને કારણે આભીર પ્રજા ગોપાલ જે ગોપાલક તરીકે પ્રસિદ્ધ પામી છે તો ભરવાડ પ્રજા પણ બીજા વર્ણોની જેમ આભીરોમાં પણ પ્રદેશ કે વ્યવસાય પ્રમાણે નવમી સદીમાં જ્ઞાતિઓ પડી હોય એમ લાગે છે. (આભીર એ સંસ્કૃત શબ્દ છે.
આભીર- આહીર) જેમ કે સોરઠમાં રહ્યા એ ‘સોરઠીયા’, મચ્છુકાંડના ‘મછોયા’, પંચાળના ‘પંચોળી’, વાગડના ‘વાગડીયા’, નાઘેરના ‘નાઘેર’, મરુ પ્રદેશના ‘મારુ’, અથવા ‘મારવાડી’. એ જ રીતે ભરુ પ્રદેશના ‘ભારુ’ અથવા ‘ભરવાડી’ કે ‘ભરવાડ’. આમ, ભરવાડ સમાજ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પથરાયેલો છે. સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ, વઢવાણિયા, વાંકાનેરિયા, રાજકોટ, ગોંડલિયા અને જામનગર, હાલારના દસ પરગણા છે. જુનાગઢના સાત, અમરેલીના તેર, ભાવનગરના છ પરગણાઓ છે. શ્રીકૃષ્ણ ભગવાન નંદબાબાના પરિવારમાં ઉછરેલા તેમની જ આ બધી શાખાઓ છે.
શ્રીકૃષ્ણના કાળથી તે આ જ પહેરવેશ પુરુષો કરચલીવાળું કેડિયુ, ચોરણીને લાલ છેડાવાળી પાઘડી તેનો ખાસ પોષાક છે.
ઓખાઇ જોડા, ડાંગ અને કાંડામાં ચાંદીના કડા એ તેના આભૂષણ છે. કાનમાં સોનાના ફુલ અને ઠોરીયા પહેરવાનો અને ચાંદીનો કંદોરો કે ગળાની કંઠી પહેરવાનો લોકોમાં રિવાજ છે. સ્ત્રીઓ કમરે કાળા ધાબળા જેવું કપડુ જીમીની જેમ વીંટી પહેરે છે. તેને ઘુંસી કહેવાય છે. બદને કસવાળુ સુતરાઉ કાપડું પહેરે છે અને માથે કાળી ધાબળી ઓઢે છે. આ ધાબળી કે ઘુંસીમાં સફેદ દોરાની સુતરની ડિઝાઇન પણ વણવામાં આવી હોય છે. ક્ધયાના કપડાં સુતરાઉ હોય છે.
મોટાભાગે લાલ કે લીલા રંગની ચોળી અને રંગબેરંગી ચુંદડી ઓઢાડવામાં આવે છે. આભૂષણમાં ગળામાં ચગદાવાળા પારાનો હાર, કાનમાં ચાંદીની પાંદડિયું, વેઢલા અને આકોટા લટકતા હોય છે. નાકમાં નથ પહેરે છે. પગમાં કાંબી, કડલા અને હાથમાં હાથી દાંતના બલૈયું પહેરે છે. જો કે હવે મોંઘવારીના કારણે હાથી દાંતના બલૈયાના બદલે પ્લાસ્ટિકના બલૈયા અને બંગડીઓ પહેરતા થયા છે. કારણ કે હાથી દાંતની કિંમત મોંઘી હોય છે. આમ, સમગ્ર ગુજરાતમાં એક સરખો પોષાક રહ્યો નથી એટલે કે તેમા ભિન્નતા જોવા મળે છે. આવા ભરવાડ સમાજ હવે એકતા પર ભાર આપે છે અને કુરિવાજને ત્યજી સમાજ એક થાય ને તેની પ્રગતિ થાય તેવું સ્તુત્ય કાર્ય કરે છે.