તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા, સોલહ સત્રહ સિતારે સંગ બાંધ લાઉંગા
!["The moon and star are visible on the horizon, symbolizing a new beginning."](/wp-content/uploads/2025/02/moon-and-star-on-the-horizon-12th-session_.webp)
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
પ્રેમમાં પડવા માટે માણસ વસંતઋતુ અથવા વેલેન્ટાઇનની રાહ જોતો નથી. પ્રેમમાં પડે છે ત્યારે એના મનમાં વસંતઋતુ ચાલતી હોય છે. એક અભ્યાસ એવું જણાવે છે કે માણસ પ્રેમમાં પડે છે ત્યારે નશામાં હોય એવો અનુભવ કરતો હોય છે, જેને ટકાઉ પ્રેમ અંગે થોડો ડર લાગતો હોય અથવા ચિંતા રહેતી હોય તો ચોકલેટ ખાવી અને હાથ પકડીને જિંદગીની યાત્રા કરતાં રહેવાથી મન આપોઆપ શાંતિ અનુભવે છે.
જો કે આજકાલ ઓનલાઇન ડેટિંગ ઍપની સગવડ પછી પ્રેમની અનુભૂતિઓ બદલાવા લાગી છે. આ ઍપ પર રોજ ત્રીસ લાખ લોકો પ્રેમને શોધવા નીકળે છે. આશ્ર્ચર્ય તો એ છે કે ડેટ ઍપ પર આવનારી મહિલાને પતિ કરતાં વધુ તો સારા મિત્રની જરૂર હોય છે, જે એને સમય આપી શકે. ભવિષ્યમાં અઈંની હરીફાઈના યુગમાં પ્રેમની કલ્પના-વ્યાખ્યા પણ બદલાવા લાગશે.
એક અભ્યાસ મુજબ પ્રેમના સફળ ખેલાડીઓને હૃદય સંબંધિત તકલીફો અન્ય કરતાં ઓછી હોય છે. સ્વાભાવિક છે કે તણાવના સ્થાને આનંદ તત્ત્વ માણસને ઘણી બધી સમસ્યાઓથી મુક્ત રાખતો હોય છે. પ્રેમમાં સફળ વ્યક્તિને દર્દ ભોગવવામાં એટલી તકલીફ નહિં લાગતી હોય.
તાજેતરમાં પ્રેમમાં લાંબું બેટિંગ કરી રહેલા દંપતીઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો. આ દંપતી જયારે એકસરખું વિચારે છે ત્યારે એ સુખની અનુભૂતિ કરે છે અને ખુશ લાગે છે. હવે ખબર પડી હશે કે જયારે મતભેદ થાય તે સમય પૂરતાં દંપતીઓના મોં ચઢેલા જોવા મળે છે. સરવાળે પ્રેમને બહુ સમજવા કરતાં માણી લેવામાં વધારે મજા છે. નવા સંશોધન મુજબ એકસરખા વિચારો ધરાવનાર પ્રેમીઓ વચ્ચે જાત જાતના વિવાદો થતાં હોય છે. પ્રેમની કથાઓમાં એક જ બોધપાઠ છે કે, બધું બિનશરતી હોવું જરૂરી છે.
પ્રેમની વાતો અંગે મનોવિજ્ઞાનીઓને પૂછીએ કે માણસના મનમાં પ્રેમની ઋતુ કેવી રીતે ઉદ્ભવે છે એટલે એમની પાસે તારણો તૈયાર જ હોય છે. માણસને પ્રેમની અનુભૂતિ માટે મગજમાં ‘નોરએડ્રેનાલાઇન’ નામનું કેમિકલ વહેવા લાગે છે. આ નામે અને કર્મે અઘરું લાગતું કેમિકલ એડ્રેનાલાઇનના વધારાને પ્રોત્સાહન આપે છે, જે દિલની ધડકનો વધારે છે. માણસના મનમાં જગતમાં બધા લોકો સારા જ છે અને જગત પ્રેમ કરવા લાયક છે જેવા ભાવ ઉત્પન્ન કરાવવા ડોપામાઈન તૈયારી કરીને બેઠું હોય છે. ‘ફેનિલએથિલેમાઇન’ નામનું કેમિકલ પ્રિયતમની નિકટ મોકલવા પોતાની શક્તિ વાપરે છે. સરવાળે આ બધા કેમિકલ તમને પ્રેમ કરવા માટે તૈયાર કરે છે, બાકી તમારો કોઈ વાંક નથી. હવે સમજાશે કે મગજમાં વહેતા પ્રેમના કેમિકલ ઝરણાં તમને રોમેન્ટિક કવિતા લખાવવા કે રોમેન્ટિક ગીતોને મમળાવવાની કેમ પ્રેરણા પૂરી પાડે છે.
એક માન્યતા છે કે પ્રેમમાં પડવા માટે દેખાવ સારો હોવો જોઈએ. અહીં રૂપની વાત આવતી નથી, પણ તમે પોતાની જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો છે એ આકર્ષણ પેદા કરવાનું મહત્ત્વનું કારણ છે. મનોવિજ્ઞાનીઓ એટલે જ માને છે કે સ્ત્રીઓને સામસામે બેસીને પ્રેમની વાતો કરવામાં વધારે રોમેન્ટિક ફીલ આવે છે અને પુરુષોને બાજુમાં બેસીને જલસો કરવો હોય છે. ક્યાંય બેસો પણ માણસને પહેલી નજરે પ્રેમમાં પડવા માટે કેવળ ચાર મિનિટ જ જરૂરી છે. ચાર મિનિટમાં જે સારી અસર છોડી શકે એના માટે પ્રેમ આસાન થઇ જાય છે. એ આકર્ષણ થયા પછી સંબંધ ટકાવવાની કળા જરૂરી છે. પહેલી જ મુલાકાતમાં બિલ કોણ કાઢશે એ વાતે વિવાદ કરનારા અસંખ્ય નમૂના પડ્યા છે. પ્રેમ ટકાવવા માટે દિલથી નહિં, પણ દિમાગથી વિચારતાં રહેવું જોઈએ. જીવનમાં તકલીફ આવે તો કોણ કેટલી મદદ કરશે અને સાથ આપશે એ પ્રારંભના દિવસોમાં નક્કી થઇ જતું હોય છે. મેચ્યોર પ્રેમમાં એકબીજાનો યથાવત સ્વીકાર, શાંતિ, રિસ્પેક્ટ, કેર અને પાક્કા દોસ્ત બની રહેવાની ક્ષમતા પર પ્રેમસંબંધની લાઈફલાઈન ટકેલી હોય છે. આ પરિપક્વ પ્રેમના કારણે જ પ્રાણીઓમાં પણ ઘણી પ્રજાતિઓ જીવનભર એકબીજા સાથે જોડાયેલી રહે છે.
રોમિયો- જુલિયટ, શીરી-ફરહાદ કે લૈલા- મજનુની કથામાં પ્રેમ અને લડાઈ વચ્ચે પ્રેમની પવિત્રતા આજે પણ લોકહૃદયમાં જીવંત છે. રાણી ક્લિયોપેટ્રા અને યોદ્ધા એન્ટનીની પ્રેમકથા યુદ્ધ અને મોત સુધી પહોંચી ગઈ હતી. હેલન અને પેરિસની પ્રેમકથા ટ્રોયની લડાઈ સુધી પહોંચી હતી. ફિલોસોફર દાંતે ફ્લોરેન્સના રસ્તા પર બીટરાઇસને એકાદ બે વાર જોઈ શક્યા અને મરતાં સુધી ભૂલી શક્યા નહિં. કેટ વિલ્સન અને કેપ્રીઆતોની કલાસિક ફિલ્મ ‘ટાઇટેનિક’ની કથા અમર છે.
આ તરફ, આપણા ગુજરાતી સાહિત્યના શિરમોર એવા મુન્શીજીની ‘રાજાધિરાજ’ કથાના કાક અને મંજરીની પ્રેમકથાનો અંત યાદ રાખવા જેવો છે. ‘એક દુજે કે લિયે’થી માંડીને ‘રામલીલા’ વાયા ‘કયામત સે કયામત તક’ સુધીની રોમિઓ-જુલિયટ કથા આધારિત ફિલ્મોમાં પ્રેમનો દુ:ખદ રંગ દર્શકો જોઈ ચૂક્યા છે.
આ બધા ઉદાહરણ એટલા માટે લખ્યા કે દરવખતે પ્રેમકથાઓમાં અંતમાં સરેરાશ હિન્દી ફિલ્મોની જેમ સુખદ હોતાં નથી. જે સ્ત્રીના સન્માન માટે રાવણ જેવા રાક્ષસ સાથે યુદ્ધ કરવું પડ્યું તેમ જ ભગવાનનું સ્વરૂપ હોવા છતાં સીતાજીથી ભગવાન રામે વિયોગ કરવો પડ્યો હતો. પ્રેમ એટલે ફક્ત સુખ ભોગવવું એવું લખેલું નથી, પણ સાથે રહીને જગતને જીતવાનો યજ્ઞ છે. આ બધી કથાના મૂળ જોશો તો સમજાશે કે પ્રેમના મૂળ તત્ત્વમાં સહાનુભૂતિ તથા સાહસ નામના કેમિકલ જરૂરી છે. આ કથાઓ પ્રેમમાં પડવાની વાત કરતી નથી, પણ પ્રેમનો અનુભવ કરાવતી કથાઓ છે.
સરવાળે પ્રેમની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. પ્રેમતત્ત્વ સમજવા સાહિત્ય, સંગીત, ગીતો, નૃત્યો, નાટકો, ફિલ્મો સહિત અનેક માધ્યમ મદદરૂપ થયા હોવા છતાં પ્રેમની અધૂરપ જિંદગીભર રહેતી હોય છે. ‘બીફોર સનરાઈઝ’ ફિલ્મમાં સેલિન નામનું પાત્ર સરસ વાત કરે છે કે આપણે જિંદગીમાં એકબીજા માટે જે કઈ કરીએ છીએ એ થોડો વધારે પ્રેમ મેળવવા માટેનો પ્રયાસ નથી હોતો? પ્રેમ એટલે શું તેનો જવાબ 2018માં આવેલી અનેક ઍવોર્ડ વિજેતા લેડી ગાગા-બ્રાડલી કોપરની ફિલ્મ ‘સ્ટાર ઇઝ બોર્ન’માં કહી છે એ એ છે કે ‘તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, મારા પર ભરોસો મૂકવાનો છે!’ ધ એન્ડ પ્રેમ એ કથા છે જેમાં બીજી વ્યક્તિનું ખુશ હોવું તમારા માટે જરૂરી છે. (રોબર્ટ હેનલેન)