ડી-ગેંગ સાથે સંકળાયેલી ડ્રગ ટોળકી પર ઇડીના દરોડા
મુંબઈ: મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ડ્રગ સિન્ડિકેટના આરોપી અસગર અલી શેરાજી તેમ જ તેના સાગરીતો સાથે સંકળાયેલી મુંબઈની જગ્યાઓ પર સોમવારે દરોડા પાડ્યા હતા. દરોડા મંગળવારે વહેલી સવારે પાડવામાં આવ્યા હતા. દવા તરીકે જાહેર કરી શેરાજી જુદા જુદા દેશોમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ડ્રગ્સ મોકલતો હતો. મુંબઈ પોલીસે શેરાજી અને અન્યો સામે દાખલ કરેલી એફઆઈઆરને આધારે ઇડી દ્વારા મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મે મહિનામાં મુંબઈ પોલીસની એન્ટી એક્સટોર્શન સેલએ દુબઈ ભાગી જવાની પેરવીમાં રહેલા શેરાજીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. શેરાજી કથિત સ્વરૂપે દાનિશ મુલ્લા મારફત દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંકળાયેલો છે. એની વિરુદ્ધ શહેરમાં કેટલાક ખટલા દાખલ કરવામાં આવ્યા હતા ને એ દવાના ઓઠા હેઠળ કેટામાઈન નામના ડ્રગ્સ મોકલતો હોવાનું કહેવાય છે.