મહિલા ક્રિકેટર પણ હવે મૅચ ફિક્સ કરવા લાગી! જાણો, આખી શૉકિંગ સ્ટોરી…
દુબઈ/ઢાકાઃ 2013ની સાલમાં અમદાવાદ તેમ જ વડોદરામાં મહિલા ક્રિકેટ રમી ચૂકેલી બાંગ્લાદેશની 36 વર્ષની સ્પિન-ઑલરાઉન્ડર શોહેલી અખ્તર ખાતુન મૅચ ફિક્સ કરવાના ક્રિકેટલક્ષી ગુના બદલ પકડાઈ ગઈ છે જેને પગલે આઇસીસીએ તેના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. તે 2030 સુધી કોઈ પણ પ્રકારની ક્રિકેટ મૅચ નહીં રમી શકે.
Also read : IPL 2025: ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક? અમદાવાદની કંપની ખરીદશે 67 ટકા હિસ્સો
બાંગ્લાદેશ વતી 2013થી 2022 દરમ્યાન ફક્ત બે વન-ડે અને 13 ટી-20 રમી ચૂકેલી શોહેલી અખ્તર ક્રિકેટને ભ્રષ્ટાચાર બદલ પ્રતિબંધ ભોગવનારી પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર બની હોવાનું મનાય છે.
થોડા દાયકાઓથી પુરુષોની ક્રિકેટમાં મૅચો ફિક્સ કરવાના કે સ્પૉટ ફિક્સિંગના કે ફિક્સિંગને લગતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બદલ ઘણા ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, પણ હવે મહિલા ક્રિકેટમાં આવા કિસ્સા બનતાં ક્રિકેટજગતમાં સનસનાટી મચી ગઈ છે.
બાંગ્લાદેશની શોહેલી અખ્તર સામે એવા આક્ષેપો થયા છે કે તેણે મૅચ ફિક્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો, લાંચ ઑફર કરી હતી તેમ જ ફિક્સિંગને લગતી આખી ઘટનાની વિગતો આઇસીસી સુધી નહોતી પહોંચાડી. એટલું જ નહીં, આઇસીસીની ઍન્ટિ-કરપ્શન યુનિટ (એસીયુ) દ્વારા થતી તપાસમાં વિઘ્ન ઊભા કરવાનો આરોપ પણ શોહેલી પર છે.
કહેવાય છે કે શોહેલીએ 2023ની સાલમાં સાઉથ આફ્રિકામાં રમાયેલા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં એક ખેલાડીનો ફિક્સિંગ સંબંધમાં સંપર્ક કર્યો હતો. શોહેલી એ વિશ્વ કપમાં બાંગ્લાદેશની ટીમમાં હતી જ નહીં, કારણકે છેલ્લે તે ઑક્ટોબર 2022માં બાંગ્લાદેશ વતી રમી હતી.
એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ 2023ની 14મી ફેબ્રુઆરીએ શોહેલીએ ફેસબુક મેસેન્જર પર એ ક્રિકેટર સાથે જે વાર્તાલાપ કર્યો હતો એને ખાસ ધ્યાનમાં લઈને આઇસીસીની એસીયુએ તપાસ શરૂ કરી છે. ત્યારે બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ હતી જ્યારે કથિત ફિક્સિંગની આ ઘટના બની હતી. કહેવાય છે કે તેણે એ ક્રિકેટરને એ મૅચમાં હિટ-વિકેટમાં આઉટ થઈ જવા 20 લાખ બાંગ્લાદેશી ટાકા (અંદાજે 16,400 ડૉલર)ની ઑફર કરી હતી.
સાઉથ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથ શહેરમાં (નવું નામ કેબેહા) રમાયેલી એ મૅચમાં બાંગ્લાદેશ (20 ઓવરમાં 107/7)ને ઑસ્ટ્રેલિયા (18.2 ઓવરમાં 111/2)એ આઠ વિકેટે હરાવી દીધું હતું.
શોહેલીએ જે મહિલા ક્રિકેટરને લાંચ ઑફર કરી હતી એ ક્રિકેટરે તરત જ આખી વાત આઇસીસીના એસીયુ વિભાગને કહી દીધી હતી. શોહેલીએ તેને જે પણ ઑફર કરી હતી એની આખી વૉઇસ-નોટ આઇસીસીને આપી હતી. જોકે શોહેલીએ એ વૉઇસ-નોટ પોતાના ડિવાઇસમાંથી ડીલીટ કરી નાખી હતી.
Also read : IPL 2025 schedule: મુંબઈ કે અમદાવાદમાં નહીં રમાય પ્લે ઓફ મેચ! RR અને DC અંગે પણ મહત્વની અપડેટ
તપાસ દરમ્યાન શોહેલીએ વૉઇસ-મૅસેજ મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું, પરંતુ એવું પણ કહ્યું હતું કે `હું કંઈ મૅચ ફિક્સ નહોતી કરી રહી, હું તો એ પ્લેયરને બતાવવા માગતી હતી કે જો બાંગ્લાદેશની ટીમમાં આવું મૅચ ફિક્સિંગ જેવું કંઈ નથી થતું.’