મેં પુણે જમીનના હસ્તાંતરણનો આદેશ આપ્યો નહોતો: અજિત પવારનો ખુલાસો
મીરા બોરવણકર પુસ્તકનો વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે કહ્યું હતું કે તેમણે પુણેના પોલીસ કમિશનર મીરા બોરવણકર પાસે પુણેના પોલીસ વિભાગ પાસે રહેલી જમીનના સોદા અંગેની વિગતો જાણવા માગી હશે, પરંતુ તેમણે આ જમીન બિલ્ડરને હસ્તાંતરિત કરવાનો આરોપ નકારી કાઢ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે નિવૃત આઈપીએસ અધિકારી મીરા બોરવણકરની તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક ‘મેડમ કમિશનર’માં ત્યારના પાલક પ્રધાન (આડકતરી રીતે અજિત પવાર) પર એવો આક્ષેપ કર્યો હતો કે તેમણે પોલીસ વિભાગની જમીન ૨૦૧૦માં એક ખાનગી બિલ્ડરને હસ્તાંતરિત કરવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે આ જમીનના હત્સાંતરણની પ્રક્રિયા લિલામ બાદ પૂરી કરી હતી જે પછીથી ટુજી કૌભાંડના આરોપી દર્શાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સોદાનો તેમણે વિરોધ કર્યો હતો.
અજિત પવારે આ બાબતે મંગળવારે ખુલાસો કરતાં કહ્યું હતું કે હું કબૂલ કરું છું કે મેં તેમને જમીનના સોદાની સ્થિતિ અંગે સવાલ પૂછ્યા હતા અને તેમણે કદાચ આ સોદા અંગેની તેમની નારાજગી વ્યક્ત પણ કરી હશે. આ સિવાય મેં આ સોદાને આગળ વધારવા માટે કોઈ દબાણ કર્યું નહોતું. આ સોદા અંગે પુછવાનું કારણ એ હતું કે સમિતિએ એવો નિર્ણય લીધો હતો કે આ જમીનનો ટુકડો ખાનગી બિલ્ડરને આપવાનો હતો, જોકે આ નિર્ણય ક્યારેય અમલમાં મૂકાયો નહોતો. એનસીપીના નેતાએ મીરા બોરવણકરનું નામ લીધું નહોતું, પરંતુ એમ કહ્યું હતું કે તેમની સામે પુણેના પોલીસ કમિશનર રહી ચૂકેલા નિવૃત આઈપીએસ અધિકારી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે પુસ્તકનું વેચાણ વધુ થાય એ હેતુથી કદાચ આવા સનસનાટીપૂર્ણ આક્ષેપો કરવામાં આવ્યા હશે.