મહારાષ્ટ્ર

યુવતી પર બળાત્કાર: આરોપીની ગર્લફ્રેન્ડે આ કૃત્યનો વીડિયો બનાવી વાયરલ કર્યો

થાણે: ભિવંડીમાં ખોટી વાતોમાં ભોળવી યુવતીને એક લોજમાં લઈ ગયા પછી યુવકે તેના પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના સમયે હાજર યુવકની ગર્લફ્રેન્ડ સહિત બે જણે આ કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

ફરિયાદને આધારે ભિવંડી પોલીસે રવિવારે 19 વર્ષની યુવતીના 22 વર્ષના મિત્રની બળાત્કારના આરોપસર ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે વીડિયો રેકોર્ડિંગ કરવા બદલ યુવકની ગર્લફ્રેન્ડ સહિત બે જણને પણ પકડી પાડ્યાં હતાં.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 29 ડિસેમ્બર, 2024ના રોજ ભિવંડીના કામતઘર પરિસરમાં બની હતી. ઘટનાની બપોરે આરોપી મિત્રએ તેની સાથે વૉક માટે યુવતીને બોલાવી હતી. તે સમયે યુવક સાથે તેની ગર્લફ્રેન્ડ અને અન્ય એક યુવક પણ હતાં. વાતોમાં ભોળવી યુવતીને નજીકની લોજમાં લઈ જવામાં આવી હતી.

આપણ વાંચો: કલ્યાણમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા: પોલીસ એક સપ્તાહમાં આરોપી વિરુદ્ધ આરોપનામું દાખલ કરશે

લોજમાં આરોપી મિત્રે યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું, જ્યારે ગર્લફ્રેન્ડ સહિત બે જણે તેનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. તે સમયે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે તાજેતરમાં કથિત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાની જાણ થતાં યુવતીએ ઘટનાના મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સિનિયર ઈન્સ્પેક્ટર કૃષ્ણદેવ ખરાડેએ જણાવ્યું હતું કે પોલીસે બે યુવક સાથે આ કાવતરાના ભાગ રૂપે આરોપીની ગર્લફ્રેન્ડની પણ ધરપકડ કરી હતી. કોર્ટે ત્રણેયને 12 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button