ગુનાહિત કિસ્સામાં દોષી સાબિત થયા પછી વ્યક્તિ સંસદ-વિધાનસભામાં કઈ રીતે વાપસી કરી શકેઃ સુપ્રીમ કોર્ટનો સવાલ…
![Supreme Court judgment LMV licence holders can drive transport vehicles](/wp-content/uploads/2024/11/SC-e1727947360288-2-1-1.webp)
નવી દિલ્હી: રાજકારણના અપરાધીકરણને એક મુખ્ય મુદ્દો ગણાવતા સર્વોચ્ચ અદાલતે પ્રશ્ન કર્યો કે ફોજદારી કેસમાં દોષિત ઠરેલી વ્યક્તિ સંસદમાં કેવી રીતે પરત ફરી શકે છે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ મનમોહનની બનેલી બેન્ચે આ મુદ્દે ભારતના એટર્ની જનરલ પાસેથી મદદ માંગી.
Also read : ‘થોડો તો વિચાર કરો…’ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી; જાણો શું છે મામલો
પ્રાપ્ત વિગતો અનુસાર દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરવામાં આવી હતી. આ અરજીમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને નવની બંધારણીય માન્યતાને પડકારવા પર કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
સરકારી સેવા માટે અયોગ્ય પણ મંત્રી બની શકે….
અદાલતે કહ્યું હતું કે “એકવાર તેમને દોષિત ઠેરવવામાં આવે અને સજાને યથાવત રાખવામાં આવે છે તો પછી લોકો સંસદ અને વિધાનસભામાં પાછા કેવી રીતે આવી શકે? તેમણે આનો જવાબ આપવો પડશે. આ મુદ્દામાં હિતોનો સ્પષ્ટ સંઘર્ષ પણ છે. તેઓ કાયદાઓની તપાસ કરશે.” બેન્ચે આગળ કહ્યું હતું કે, જો કોઈ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય પ્રત્યેની નિષ્ઠાહિનમાં દોષિત ઠરે છે, તો તે સરકારી સેવા માટે અયોગ્ય ગણવામાં આવે છે, પરંતુ તે મંત્રી બની શકે છે.
Also read : પંજાબની AAP સરકારમાં ભંગાણ પડશે! કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
મુખ્ય ન્યાયાધીશને મોકલાયો કેસ
જોકે, બેન્ચે આ મામલો મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પાસે મોકલ્યો છે જેથી સુનાવણી માટે યોગ્ય બેન્ચની રચના કરી શકાય. બેન્ચે કહ્યું કે ત્રણ જજોની બેન્ચે સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોના ઝડપી નિકાલ પર ચુકાદો આપ્યો હોવાથી, બે જજોની બેન્ચ દ્વારા આ મામલો ફરીથી ખોલવો અયોગ્ય રહેશે.