આમચી મુંબઈ

પ્રેમલગ્ન કરનારાં પુત્રી-જમાઈની હત્યાના આરોપસર પિતા-પુત્ર સહિત છ પકડાયા

ગોવંડીમાં ઓનરકિલિંગની ઘટના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોવંડીમાં ઓનરકિલિંગની ઘટનામાં પિતા-પુત્રએ પ્રેમલગ્ન કરનારાં પુત્રી-જમાઈની કથિત હત્યા કરી હોવાની આંચકાજનક માહિતી સામે આવી હતી. આ કેસમાં પોલીસે પિતા-પુત્ર સહિત છ જણને પકડી પાડ્યા હતા.

ગોવંડી પોલીસે પ્રાથમિક તપાસને આધારે ગોરા રઈસુદ્દીન ખાન (૫૦), તેના પુત્ર સલમાન ખાન (૨૨) અને સલમાનના મિત્ર મોહમ્મદ કૈફ નૌશાદ ખાનની ધરપકડ કરી હતી. કોર્ટે ત્રણેયને
૨૭ ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ગુનામાં ત્રણ સગીરની સંડોવણી સામે આવતાં પોલીસે તેમને પણ તાબામાં લીધા હતા.

ગોવંડી પોલીસને ૧૪ ઑક્ટોબરની સાંજે અંદાજે ૨૨ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું તબીબી તપાસમાં જણાતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ માટે પોલીસ અધિકારીઓની ૧૦ ટીમ બનાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન મૃતકની ઓળખ કરણ રમેશ ચંદ્ર તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશમાં રહેતા કરણે વર્ષ અગાઉ ગુલનાઝ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ સંબંધનો વિરોધ કરનારા ગુલનાઝના પરિવારના મનમાં રોષ ધરબાયેલો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગુલનાઝના પિતા ગોરા ખાન અને ભાઈ સલમાન ખાને અન્ય આરોપીઓની મદદથી કરણ અને ગુલનાઝની હત્યા કરી હતી. આરોપીની કબૂલાત પછી પોલીસે નવી મુંબઈથી ગુલનાઝનો મૃતદેહ તાબામાં લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button